પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી સંતો
 

લઇ લેનાર જાદરાની ઘોડી આજ એક ગભરૂડી અબળાને પણ કેમ આંબતી નથી ?”

બીજાએ કહ્યું કે “ભાઇ, એ દીકરી કોની ! રતીઅલ નાથની ! ગેબી બાવાનો ચેલો આપો રતો !"

ત્રીજો બોલ્યો કે “અરે ભાઇ, વાતું થાય છે કે ગેબી બાવાના માંયરામાં ચાર જણ ભેળા થઇને ચોપાટે રમે છે ? એક સૂરજ, બીજા વાસંગી, ત્રીજા ગેબી બાવો ને ચોથા આપો રતો. ચારે જણાને આંતરે ગાંઠ્યું પડી ગઇ છે. ઇ કાંઇ જેવી તેવી ભાઇબંધાઇ ન કહેવાય.”

“પણ ત્યારે પ્રથમ આપા રતાને ગેબી બાવા સાથે ભેટો ક્યાંથી થયો ?” અજાણ્યા ખેડુતે ભુંગળી પીતાં પીતાં પૂછ્યું.

“એવું બન્યું કે દરરોજ સવારે આપા રતાની વાડીની વાડ્યે એક રામ-ચાળી ચરવા આવતી, ને સાંજે ચરીને પાછી ચાલી જતી. ક્યાં જાતી એ કોઇ ન જાણે. ભગતે એકવાર નિરખીને જોયું કે આ ચાળી ગામ ભણી જવાને બદલે ડુંગરા ઢાળી કાં હાલી ? આપો હાલ્યા વાંસે વાંસે. દિ' આથમ્યો ત્યારે ડુંગરાની ઉંડી ઉંડી ગાળીમાં એક ભોયરૂં આવ્યું ને ચાળીએ બેં ! બેં ! એવા બેંકારા નાખ્યા. કહે છે કે એ વખતે કોઇ હજારૂં વરસના જૂના વડલા જેવા જટાધારી જોગંદર ગુફામાંથી બહાર નીકળ્યા. નીકળીને ચાળીને માથે હાથ ફેરવી પૂછ્યું “ક્યું ? આઇ, બચ્ચા ?” ત્યાં મહારાજની નજર આપા રતા માથે પડી. આપે પૂછ્યું :

“આ ચાળી તમારી છે મહારાજ ?”

“હાં બચ્યા, રામજીકી હે, ક્યું ? તેરા કુછ બીગાડ કીયા ?”

“ના બાપુ, બગાડ તો કાંઇ કરતી નથી, પણ મેં જાણ્યું કે રેઢી રઝળે છે તે ક્યાંક જાનવર વીંખી નાખશે. એટલે આજ મૂકવા આવ્યો.”

“રામજીકી બકરી કો જાનવર નહિ છુએગા બચ્ચા ! ફિકર મત કરે. આવ ગુફામેં !”