પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભકતમંડળ
 


"જોગી આપાને અંદર તેડી ગયા, ચાળીનો એક આંચળ દોહીને એ દૂધનો દૂધપાક કર્યો, અને પછી આપાને દૂધપાક, ખાખરાના પાનના દડીયામાં દઇને ખવરાવ્યો. ખાતાંની વાર તો આપાને ત્રણે ભવનની સૂઝવા મંડી. આ તે દિ'થી બેયને ભાઈબંધાઈ !"

“ઓહોહો ! એવા પુરૂષની દીકરી માથે આજ દખનાં ઝાડવાં ઉગ્યાં. આપો કેમ કાંઇ ટાળતા નથી ?”

“આપો પોતાની સિદ્ધાઇને સવારથ સારૂ ન વાપરે ભાઇ, ન વાપરે.”

“અને આ માંકબાઇ કોનો અવતાર છે, ખબર છે !”

“ના ભાઇ, કોનો ?”

“એ માયાનો !”

“શી રીતે ?”

“ઇ તો આપો રતો એક દિ' ખેતરમાં સાંતી હાંકવા ગયા'તા. જરાક સાંતી ચાલે ને કોશ જાણે જમીન હેઠળ કો'ક કડામાં ભરાઇ જાય: ડગલે ને પગલે કોશ ભરાય ! આપાને થયું કોત્યક ! એણે તે ધરતી ખોદીને જોયું તો માયાના ચરૂ ને ચરૂ ! માથે ધૂળ વાળી દૈને આપે હાકલ કરી.

“ભણે માતા લખમી ! તારો લલચાવ્યો હું નહિ લલચાઉં. હું રતો ! હું પરસેવો નીતારીને પેટ ભરનારો ! ભલી થઇને મારગ મેલી દે, ને તેમ છતાં જો તારે ઇરખા થાતી હોય તો પેટ પડીને સંતાપી લે માવડી !”

“એટલે માયા માંકબાઇ થઇને અવતરી છે !”

એવી વાતો કરતા કરતા ખેડુતો ખભે ખંપાળી ઉઠાવીને મોલડી ગામ તરફ ચાલ્યા ગયા.

હમણાં જાણે હૈયું ફાટી પડશે એવી, કોઇ ઘવાયેલી સસલીના જેવા શ્વાસ ભરતી દીકરીએ દોડી આવીને “મા ! મા !