પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૧૧
 

વાળુ પણ બન્નેએ સાથે બેસીને કરી લીધું. પણ પોતાની દીકરી ઉપર જુલમ ગુજારવાની વાત ભગતે જરાયે છેડી જ નહીં. જાદરાને પણ લાગ્યું કે મામો કેટલા બધા સાગરપેટા છે !

વાળુ કરીને આપા રતાએ દીકરીને કહ્યું “ ભણેં ગીગી, બાપ મુંહે બે ગાભા ગોદડાંનાં દઉ દે. એટલે હું તલને ખેતરે વાસુ વયો જાઉં.”

ભાદરવો ઉતરીને આસો બેસતો હતો. આપા રતાના ખેતરમાં ઉંટ ઓરાઈ જાય એવડા તલ ઉભા હતા. અને એ તલનું રખોપું કરવા ભગત પોતે જ રાતવાસો જંગલમાં રહેતા હતા.

“અને ભણેં, કાઠીઆણી, જાદરાને અાસેં જ પથારી કરૂ દેજે હો ! ”

“ના મામા, માળે તો તમાળી હારે આવવો સે.”

“બહુ સારો. લાવ્ય બાપ ! બે બીજા ગોદડાં.”

એમ બબે ગોદડાં ખભે નાખીને અંધારી રાતે મામો, ભાણેજ ખેતરે ચાલ્યા. જઈને ભગતે તો આજુબાજુથી લાકડાં લઈને દેવતા સળગાવ્યો. અને પોતે તાપવા લાગ્યા.

ભણેં જાદરા, તું તારે આડે પડખે થઉ જા. મુંહે તો નીંદર નસે આવતી. મું તો બીઠો બીઠો પરભુની માળા કરીશ.”

“પ્રભુ” એવા શબ્દ સાંભળતાની વાર જ દાંત ભીંસવા લાગનાર જાદરો ગોદડાં પાથરીને માટીમાં લાંબુ ડીલ કરી સૂવા લાગ્યો. થોડી વારમાં તો એને ઘસઘસાટ ઉંઘ જામી ગઈ.

બાવળના વેરામાંથી અગ્નિની ગુલાબી ઝાળો નીકળે છે, અને આજુબાજુના આધેરા ડુંગરા ભગતના અબાલ ભેરૂબંધો જેવા ઝળહળી ઉઠે છે. અલખ ધુણીની આસપાસ વીંટળાઈને જુગજુગના જુના તપેશ્વરીઓનું ટોળું તાપવા બેઠું હોય એમ પાંચાળના ડુંગરા યોગાસન વાળીને ચારે ફરતા બેસી ગયા છે. આસમાનમાં નવ લાખ ચાંદરડાં પણ આપા રતાની ધુણીની જ્યોતનાં દર્શન કરતાં જાણે ઉભાં છે. આટલા બધા તારલા