પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સોરઠી સંતો
 

સાવઝોની તો અાંખો જ કોઈ અગમ નિગમનાં વેણ ઉચારી રહી છે. અનહદના દરવાજા ઉધડી ગયા લાગે છે.

વાતોમાં ને વાતોમાં એક પહોર વીતી ગયો. ત્રીજે પહોરે આભના તારલા જેમ તેજસ્વી બન્યા, બબે ગાઉ આઘેનાં નેહડાં પાસે કાઈ પહર ચારવા નીકળેલા રબારીએાની, ચડતા ઉતરતા સુરની મીઠી સરજુઓ સંભળાવા લાગી, વાડીએ વાડીએ અને ખેતરે ખેતરે તાપણાં બળતાં હતાં તે જેમ એાલવાતાં ઓલવાતાં અણસરખી જ્વાળાઓ કાઢવા લાગ્યાં, ત્યારે બન્ને સાવઝોનાં શરીર સંકોડાવા મંડ્યા. અને બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. ભગત સમજી ગયા.

“કાં બાપ ! ટાણો થઉ ગો ? ભલે, જાવ. ભૂખ્યા થીયા હશો. એટલે જાવ ચારો કરવા પણ જો જો હો બાપ ! ગવતરીને મારીએ નહિ. ગવતરી તો મા ભણાય. અને તમે તો નરસંગ છો. ખાધાની બીજી જણશું ક્યાં ઓછી છે ? જાવ, પાછા કાલ્ય તાપવા આવજો હોં !”

આળસ મરડીને બેય સિંહ ઉભા થયા. બેય જણાએ ભગતને ખંભે પોતાની ગરદનો ચાંપી. અને ભગતના પગ ચાટીને બન્ને ચાલી નીકળ્યા. અંધારી અટવી અાં...ઉંહ ! અાં...ઉંહ ! એવા અવાજે કાંપી ઉઠી. ધીરે ધીરે સિંહના શોર શમી ગયા. આખરે ઉગમણી દિશા કંકુવરણી થવા લાગી, પંખીના માળા જાણે ઝાડવે ઝાડવે લટકતાં કોઈ ઈશ્વરી વાજીંત્રો હોય તેમ જૂજવે સૂરે ગુંજી ઉઠ્યા.

જાદરો ઉઠ્યો. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં કૂતરાં જેમ પોતાના ચારે પગ, પૂંછડી અને મોઢું પેટાળમાં ગોઠવીને થીજી ગયાં હોય તેમ જાદરો પણ ટુટીઆં વાળીને આખી રાત કૂતરા-કુંડળ થઈ ગયો હતો. એ જમઝાળ લૂંટારાએ અધરાતે બે વિકરાલ સિંહોને પોતાના સસરાના પગમાં લોટતા દીઠા હતા. એના રોમે રોમમાંથી પરસેવાનાં પાણી નીતરી ગયાં. એની કાયા થર! થર ! કાંપતી હતી, નજરોનજર એણે