પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભકતમંડળ
૧૭
 

છતાં પણ રૂડપ ઢાંકી રહી શકતી નથી. ફળીઆમાં ગધેડાનાં નાનાં નાનાં શ્વેતવરણાં ખેાલકાં ગેલ કરતાં કરતાં છલાંગો મારે છે.

એવે પ્રભાતને ટાણે ગળામાં માળા નાખીને જાદરો આવી પહોંચ્યો. આવીને કહ્યું “ભગત રામ રામ !”

“રામ રામ ! આપા જાદરા.”

એમ ભગતે સામા રામ રામ તો કર્યા, પણ એના અંતરમાં તૂર્ત ફાળ પડીઃ આ કાગડાના મ્હોંમાં આજ 'રામ' ક્યાંથી ? અને આ મલકનો ઉતાર આજ મારે ફળીએ શીદ આવ્યો હશે ?

વહુ-દીકરીઓ પણ આ અસૂરને દેખી, પોતાનાં નિર્દોષ અર્ધ ઉઘાડાં શરીરને સંકેાડવા લાગી. આડો સાપ ઉતર્યો હોય તેમ સાવધ બનીને ચાલવા માંડી. “એ પીટ્યાનો તો ઓછાયો યે આપણાં અંગને ન અડવો જોઇએ” એવી વાતો થઇ રહી.

જાદરો ચુપચાપ બેસીને ચાલ્યો ગયો. બીજે દિવસે આવ્યો ને ગયો. ત્રીજે દિવસઃ અને ચોથે દિવસે જેવો એ આવ્યો તેવો તૂર્ત જ એને મેપા ભગતે બાવડે ઝાલ્યો:

“આપા, રોજરોજ આંહી શીદ આંટા ખાઓ છો ?”

“કાંઈ કામે નહિ ભગત ! સુવાણે તમારો સત્સંગ કરવા.”

“સત્સંગ ! તારે ને સત્સંગને શા લેવા, દેવા કાઠી ? આવ્યો ઈ આવ્યો, પણ હવે જો આવ્યે છો ને, તો આ ફેરણીએ ફેરણીએ વાંસો ખોખરો કરી નાખીશ. હાલ્યો જા બહાર.”

“બહુ સારૂં ભગત ! અંદર નહિ આવું.”

એટલા સુંવાળા શબ્દો બોલીને જાદરો ચાલ્યો ગયો. બીજા દિવસનું પ્રભાત પડ્યું, મેપા ભગતે ચાકડો ફેરવતાં ફેરવતાં પ્રભાતીયું ઉપાડ્યું કે

રૂદીયામાં રે'જો
એ જી મારા રૂદીયામાં રે'જો !
એ જી સુરજ વસે છે વ્રેહમંડ ગોખમાં
તેમ મારા રૂદીયામાં રે'જો !