પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સોરઠી સંતો
 


“શું છે બાપ ? શું છે ગીગા !”

“બાપુ ! ઓલ્યા કોળીની બાયડીના વિલાપ મારાથી સાંભળ્યા જતા નથી. એના છોકરાને બેઠો કરો.”

“બેટા, મડાં ક્યાંય બેઠાં થાય ?”

“તમથી શું ન થાય ?”

“પણ બાપુ, હુ કાંઇ પ્રભુનો દીકરો નથી, અને ભગવાનની મરજી હોય તો મરેલાં યે બેઠાં થાય, પણ એકને સાટે બીજું પ્રાણ દેવા તૈયાર હોય તો !”

“અરેરે બાપુ ! બીજા કોને લઇ આવીએ ? કાંઈ માણસના જીવ વેચાતા મળે છે ?”

ખીજાઇને મેપાએ કહ્યું, “એ બાઇ, બહુ પેટમાં બળતું હોય ને, તો પોતાના છોકરાનું આવખું કોળીના દીકરાને દઇ દઇએ ! ઠાલા દયાના ડોળ ઘાલો મા.”

પોતાનો છોકરો ! એનું આયખું ! એવાં વેણ સાંભળતાંની વાર તો ધણીધણીઆણી થંભી ગયા. એક બીજાની સામે ટગર ! ટગર ! બન્ને જણાં જોઇ રહ્યાં. બન્નેનાં મનની ઢીલપ જોઇને મેપાએ ફરીવાર કહ્યું:

“જાવ બેય જણાં, એકલાં બેસીને પરિયાણ કરી આવો. એમ પરિયાણ કરતાં કરતાં બપોર કરજો, ત્યાં કાળીનો છોકરો શમશાને સળગી રહ્યો હશે ! જો મારાં વાલીડાં પારકી દયા ખાવા આવ્યાં છે !”

“પરિયાણ વળી શું કરવું'તું ?” જાદરો બોલ્યો, “ ઇ છોકરામાં મારો જીવ કાંઇ ગરતો નથી. કાઠીઆણી, તું જાણ ને તારો ગગો જાણે. પછી મને આળ દેતી નહિ.”

જનેતાનો જીવ ! બે ઘડી અકળાયો. છોકરો નજર આગળ તરવરવા લાગ્યો. હૈયામાં કાંઇક જાણે થઇ ગયું. અને પછી કઠણ છાતી કરીને જનેતા બોલી “બાપુ ! મારો છોકરો હું દઇ ચૂકી.”