પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સોરઠી સંતો
 


એક દિવસ ભાદરવો મહિનો ચાલે છે. નાજો કરપડો ઘોડે ચડીને સીમ જોવા નીકળ્યો. આખી સીમનાં વાડી ખેતર જોઇને પાછો વળ્યો. એમાં એક વાડી દેખીને એણે ઘોડી રોકી, મીટ મંડાઇ ગઇ. ધોકા ધોકા જેવડાં જુવારનાં ડુંડા હીંચકે છે. અને ઉંટ ઓરાઇ જાય એવે ઉંચે સાંઠે જાર ઉભી છે. દિલમાં થયું કે આ શું કૌતુક ! આખી સીમમાં આ એક જ કટકો કાંસોને મઢ્યો !

“આ કોની વાડી ?”

“બાપુ ! જગ્યાની.”

“જગ્યાની ક્યાંથી ?”

“આપણે અર્પણ કરેલી છે.”

“અરે ગોલકીના ! આવી કંચન જેવી જમીન સાધુડો ખાશે ?”

આંખ ફાટી ગઇ. પરબારી ઘોડી આપા ગોરખાની જગ્યામાં હાંકી. પરબારા ભગતને જઇને કહ્યું કે “એલા એય ભણે કોપીન ! ભાગું જા આસેંથી. વાડી બાડી નૈ મળે. ખબરદાર જો ડુંડાને હાથ અડાડ્યો છે તો !”

સાધુડાં બધાં કળકળવા લાગ્યાં, પણ ભગત તો મ્હોં મલકાવીને ઠાવકી મીઠી વાણીમાં એટલું જ બોલ્યા કે “હશે બાપ ! જમીન તો એના બાપની છે ને ! એની છે ને એ લઇ લ્યે છે. આપણને એનો કાંઈ દખ ધોખો હોય ?”

નાજા કરપડા તરફ ફરીને ભગતે કહ્યું, “ભલે બાપ, તું તારી જમીનનો ધણી છે, પણ ઓલ્યું નાળીએર તને દીધું'તું ઇ તો મારૂં છે. માટે પાછું દઇ મેલ્ય એટલે અમે હાલી નીકળીએ.”

“ભણે લંગોટા ! મારૂં થાન તો શું ગારાનું છે તે તારા નાળીએર વગરનું વહ્યું જાશે ? આ લે તારૂં નાળીએર ”