પૃષ્ઠ:Sorathi Santo.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભકતમંડળ
૨૭
 


નાળીએર પાછું આવ્યું. ઠેઠ જૂનાગઢના પાડોશમાં રહેતા ખીમા મૈયા નામના મૈયા વંશના આગેવાનને ઓચીંતું સ્વપનું આવ્યું કે “ખીમા ! ઠાકર તને થાન દ્યે છે.”

મૈયાની ફોજ થાન માથે ચડી. દૈવતહીણ નાજો વગર લડ્યે ભાગ્યો. ગઢ ઠેકીને ભાગવા જાય ત્યાં તે કાછડી કાંગરે ભરાઇ ગઇ. નવસ્ત્રી હાલતમાં નાજો કોઈ ઝાડની ઓથે બેઠો છે, એવા ખબર જગ્યામાં ભગતને પડતાં જ તત્કાળ પોતે લુગડાંની ગાંસડી માથા પર ઉપાડીને ચાલ્યા. નગ્ન નાજાને લુગડાં પહેરાવીને કહ્યું “બાપ નાજા ! અભેમાન કોઇનાં નથી રહ્યાં, અને નિરપરાધીના નિસાપા લીધે સારાવાટ ન હોય. ”

સીમમાંથી ધા નાખતા ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને ભગત પાસે કહ્યું કે “બાપા ! જગ્યાનું ધણ વાળી ગ્યા.”

“કોણ બાપ ?”

“મોરબી દરબારનાં માણસું”

“કાંઇ વાંધો નહિ ભાઇ આયડુ ! આપડે તો વાંસે વાછરૂ ય દઇ મેલો, નીકર માતાજીયું કામધેનુ દુવાશે.”

એમ કહીને એણે વાછરૂ પણ પાછળ મોકલી દીધાં.*[૧]


  1. *લોકો આવી વાતો કરે છે:- બીજો દિવસ થતાં મોરબીથી માલ પાછો આવ્યો. ચોરનારાઓ ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટ પાલટ કરી નાખશે.
    પરંતુ એક ગાય ન આવી. ભીમા રબારી ધ્રૂશકા મેલીને રોવા લાગ્યો કે “ બાપુ ! મારી ગોરહર ગા રહી ગઇ ! મારી ગોરહર વગર હું નહિ જીવું.”
    ગેારખાએ મોરબી ઠાકોરને સંદેશો કહેવરાવ્યા છે “ગા વગર આાયડુ ઝુરે છે. ગોવાળ અને ઢોરની પ્રીત્યુનો વિચાર કરો દરબાર ! તમને બીજી ઘણીયું ય ગા મળી રે'શે. અમારી ગોરહરને પાછી દઈ મેલજો.”