પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સોરઠી સંતો
 


દાનો થડમાં આવ્યો, પડખામાં બેસારીને ભગતે આંખો તપાસી. પછી નાનું છોકરૂં દાંત કાઢે તેવી રીતે ખડખડાટ હસીને બોલ્યા “બાપ દાના ! આટલાં વરસથી ઢોંગ કરીને બિચારી રડવાળ માને શીદ સંતાપી ? તારી આંખ્યુંનાં રતન તો આબાદ છે ભાઇ ! તુ આંધળો શેનો ? દહલીમાં ઘોડાં દોડતાં હોય ઇ યે તું ભાળછ, તારી નજરૂં તો નવ ખંડમાં રમે છે. ઠાકરનું નામ લઈને આંખ્યું ઉધાડ બાપ ! તારે તો હજી કૈંકને દુનિયામાં દેખતાં કરવાનાં છે ઇ કાં ભૂલી જા ?”

*[૧] દાનાએ આંખો ઉઘાડી. પોપચાંના પડદા ઉંચા થયા. જગતનું અજવાળું આજ અવતાર ધરીને પહેલી વાર દીઠું. આંખમાં જ્યોત રમવા લાગી. માતા સામે, સગાં વ્હાલાં સામે, ચારે કોર નજર ફેરવી. ત્યાં ભગત બોલ્યા:

“બાપ, ઉંચે ઇશ્વર સામુ જોયું ?”

દાનાએ ગગનમાં નજર માંડી. ઇશ્વર પ્રત્યે હાથ જોડ્યા. બાવીસ વરસનાં ભર જોબન, અને સંસારનાં સુખ માણવાની લાલસા: માની પ્રીતિ, બાપનો મૂકેલો વૈભવઃ બધું ય સર્પની કાંચળીની માફક, પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયાં. દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભક ઉઠી આવી. એણે જાદરાના પગ ઝાલી એટલું જ કહ્યું કે “બાપુ ! હવે મારે ઘેરે નથી જાવું. તમારી સાથે જ આવવું છે.”

“માડી ! એક વાર ઘરે તો હાલ્ય. તારાં લૂગડાં બાંધી દઉં.” બેબાકળી માતાએ દીકરાને બોલાવ્યો.

“હા હા, બાપ દાના ! ઘેરે જઇ આવ. પછી તું તારે જગ્યામાં હાલ્યો આવજે.”


  1. **આ પ્રસંગને પરચાનું રૂપ શા માટે આપવું જોઇએ ? આગળના સંતો ભક્તો પેાતાની પાસે સારી સારી વનસ્પતિની દવાઓ રાખી લોકોના વ્યાધિઓ મટાડતા હોવાનો સંભવ છે. દાનાની આંખો ઉપર પણ ચમત્કાર કરવાને બદલે જાદરાએ કોઇ ડુંગરીયાળ ઐાષધી જ લગાવી હશે.