પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
૩૧
 

“બાપુ ! મા ! મારૂં ઘર મેં ગોતી લીધું છે. હવે મારે કાંઇ પોટલું બાંધવું નથી. મારે તો મારે સાચે ઘેરે જ જાવાનું પરિયાણ છે.”

માની આંખમાં દડ ! દડ ! પાણી પડવા માંડ્યાં જાદરા ભગતે માને કહ્યું કે “ આઇ ! આંસુ પાડછ ? કાઠીયાણી થઇને ! એકાંદ સાંતી જમીનનાં ઢેફાં સારૂ તારો દીકરો ધીંગાણે કામ આવત, તો વખતે તું આંસુ ન પાડત. અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન શીદ દઇ રહી છો મા ? છાની રે'.”

(૨)

જુવાન દાનાએ ભગવા પહેર્યા. ગુરૂની આજ્ઞા મળી કે “બાપ ! કામધેનુની ચાકરી કરવા મંડી જા.”

આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો. અધરાતે પહર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે. ભમી ભમીને કૂણા ધાટાં ખડવાળી ખીણો ગોત્યા કરે છે. ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં આણે છે. પોતે જ તમામ ધેનુએાને દોવે છે. ગમાણમાંથી વાસીદાં વાળી, છાણના સૂંડા માથે ઉપાડી, રેગાડે નીતરતો જુવાન જોગી છાણાં થાપે છે. વળી પાછો ગાયો ધોળીને સીમમાં કોઈએ ન દીઠાં હેાય એવાં ખડનાં સ્થાનો ઉપર જઈ પહોંચે છે. પાણીનાં મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી, વડલાની ઘટા હેઠે બેસારી, કોઈના ગળાં ખજવાળતો, કોઇની રૂવાટીમાંથી ઝીણી ઈતરડીઓ કાઢતો. કોઈની બગાંઓ પકડતો, કોઇનાં કંઠે બાંધવા માટે ફુમકાં ગૂંથતો, ને કોઇની ખરીએ ને શીંગડીએ, એરંડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો, ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો. નેત્રો ઘેઘૂર બની જતાં અને ગળું ગુંજવા લાગતું કે