પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સોરઠી સંતો
 
“આજો ગગનથી લેહેરું રે આવે
ઝીણાં ઝીણાં મોતીડાં અઝ૨ ઝરે રે.”

ગુરૂ જાદરા ભગતે સમાત લીધી. અને પછી પાંચાળમાં દુકાળ પડ્યો. સેંજળ લીલી સોરઠ ધરાનાં દર્શન માટે જુવાન દાનો ધેનુઓનું ધણ ઘોળીને થાનથી ચાલી નીકળ્યો. આવીને એણે ગિરકાંઠાના કાઠીઆઇ ગામ ગરમલીની સીમમાં ઉતારો નાખ્યો. ત્યાંથી માતાજીએાને (ગાયોને) તુલસીશ્યામ તરફ ધોળી ગિરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા. તુલસીશ્યામ તો વંકે ડુંગરે વીંટળાયલું, સજીવન ઝરણાંથી શોભતું, તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુ-ધામ હતું. પરંતુ આપા દાનાનો જીવ ત્યાં ન ઠર્યો, ત્યાંથી નીકળીને જેનગર ગામમાં પહેાંચ્યા. ટીંબો સજીવન દીઠો. ગામના ગોવાળેાને પૂછ્યું કે “ભાઈ રાયકા, આંહી રહું ?”

“રો'ને ભા ! અમારે ક્યાં ખડ વાઢીને ખવરાવવું પડે છે?” ગેાવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠિયો. ભગત ગાયો ચારવા લાગ્યા.

એક દિવસ પ્રભાતે ગોવાળો ગામને પાદર ટોળે વળીને ઉભા છે જાણે કોઈનું છોકરૂં મરી ગયેલું હોય, એવા અફસોસમાં સહુ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી તેને ચોપાસ વીંટીને ઉભા છે. અંદરો અંદર વાતો થાય છે કે “કયે પાપીએ પીપળાની ડાળ કાપી નાખી ? ”

“માતાજીયું ને વિશ્રામ લેવાની શીળી છાંયડી ખંડિત થઈ ગઈ.”

“અને પંખીડાંનાં લીલાં બેસણાં તૂટ્યાં.”

પીપળો તો પાદરનું રૂપ હતો. એની ડાળ માથે ઘા પડ્યો, એ તો જાણે માલધારીઓના માથા પર વાગ્યો હતો.