પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સોરઠી સંતો
 

પણ જવાબ આપવાનો સમય છોકરીને નહોતો. એ તો માથુ ઢસડળતી જ રહી.

“માથામાં કાણું થ્યો છે બાપ ! મુ હેં જોવા તો દે !”

એટલું બોલીને એણે છોકરીના માથા પરથી કુંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી. આખું માથું ઉંદરીથી ગદગદી ગયું છે. અંદર જીવાત્ય ખદબદે છે. પાસ પરુના રેગાડા ચાલ્યા જાય છે. વાળનું નામ નિશાન પણ નથી રહ્યું.

આપા દાનાનું અંતર આ નાની દીકરીનું દુ:ખ દેખીને ઓગળી ગયું. એને એકેય દવા આવડતી નહોતી. દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો કરૂણ એ દેખાવ હતો.

“ઠાકર ! ઠાકર ! દીકરીની જાત્યને આવડો દ:ખ !"

એટલું બોલીને એણે છોડીનું માથુ છાલી લીધુ. હાથ પકડી લીધા, અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાટ્યું; એક વાર, બે વાર, ને ત્રણ વાર ચાટ્યું.

છોડીને માથામાં જાણે ઉંડી ટાઢક વળી ગઈ. એની ચીસો અટકી ગઈ. માથે હાથ ફેરવતાં જ ગૂમડાંનાં ભીંગડા ટપોટપ નીચે ખરી પડ્યાં. અને થોડા દિવસમાં તો એ ફુલ સરીખા માથા ઉપર કાળા કાળા વાળના કોંટા ફુટી નીકળ્યા.

છોકરીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું. બાપુના પગ ઝાલી લીધા. બાપુના મ્હોં સામે મીટ માંડી રહી. ભગતના નેત્રોમાંથી તો દયાની અમૃત-ધારાઓ વરસી રહી છે.

લાંબી સુંવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખેાળામાં પડીને પુછે છે – “હેં બાપુ ! ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ ? ”

“બેટા ! ઈ તો હું ખાઈ ગો !” એમ કહીને ભોળીઓ ભગત દાંત કાઢે છે.