પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૩૫
 
(૪)

"ગાયુંની તો ચાકરી કરી રહ્યો છું. પણ ગરીબ ગુરબાં, ને સાધુ સંત મારે આંગણેથી અન્ન જળ વિના જાય છે. ઠાકર ઇ કેમ ખમશે ?

ભગતે સદાવ્રત વહેતું કર્યું. દાણાની ટેલ નાખીને અનાજ ભેળું કરવા માંડ્યું. ગામ લોકોએ દળી ભરડી દેવાનું પણ માથે લીધું. ગરીબ ગુરબાં, લુલાં પાંગળાં, ઘરડાં બુઢ્ઢાં, તેમજ મુસાફર સાધુ બાવાઓને દાળ રોટલા આપવા લાગ્યા. એક પણ અન્નનું ક્ષુધાર્થી ભૂખ્યે પેટે પાછું જતું નથી. આપા દાનાનો રોટલો મુલકમાં છતો થવા લાગ્યો.

એમાં દુકાળ ફાટી નીકળ્યો. અનાજ ! અનાજ ! પોકારતો આખો દેશ હલક્યો. દાના ભગતને દ્વારે રાંધણાનો પાર ન રહ્યો. દાળનાં મોટાં રંધાડાં ને રોટલાની વીસ વીસ તાવડી ચાલવા લાગ્યાં. અનાજનાં ગાડાં આવી આવીને આપા દાનાની કોઠીએામાં ઠલવાય છે, પણ કોઇને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે.

દેનાર તો ન થાક્યાં, પણ દળનાર ભરડનાર ગામ લોકો ગળે આવી ગયાં. ગામને બહુ ભીંસ પડવાથી લોકો બોલ્યાં કે “બાપુ ! ફક્ત બામણ સાધુને જ રોટલા આપો, બીજા કોઇને નહિ. નીકર અમે પોગી નહિ શકીએ. ”

“અરે ભણેં બાપ !” ઓશીયાળા થઇને આપા દાના બોલ્યા, “હવે તમારે ગામને દળવો ય નહિ ને ભરડવો ય નહિ. લ્યો આ પાંચ કોરી. એના ચોખા લાવો, ને ગળ લાવો. આ માતાજીયું મળે છે તે માથે છાંટો છાંટો ધી દેશું, એટલે તમારે મારો હડચો ખમવો નહિ, ઠીક બાપ !”