પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સોરઠી સંતો
 

દાળ રોટલાને બદલે ગોળ ચોખા ને ઘીનું સદાવ્રત વહેતું થયું. ચોખાનાં છાલકાં બહારથી આવતાં થયાં. ઠાકરે એ પાંચ કોરીના ચોખા ગોળમાં અખૂટ અમી સીંચી દીધાં. કોઈ દિવસ તૂટ આવી નહિ. કેમકે ભગતની આસ્થા કદિયે ડગી નહિ.

ગરમલીથી ચાલીને એક દિવસ આપા દાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી. ત્યાં પણ ગોળ ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું.

(પ)

પોતાની ગાયો હાંકીને દાનો ભગત ગરમાં સીધાવ્યા છે. એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણીઆ મુલકમાં ઉતરી. માણસોએ બોકાસાં દીધાં દીધાં કે “ બાપુ ! પાણીની જોગવાઈ આટલામાં ક્યાંયે નથી.”

“ભણેં લ્યો બાપ ! હું મોંગળ જઉને પાણીની તપાસ કરાં.”

આટલું બોલીને ભગત ચાલી નીકળ્યા. ગિરમાં દેવળા નામનું ગામ છે, ત્યાંની સીમમાં આવ્યા. જુવે તો ત્યાં દુકાળની મારી બે ત્રણ હજાર ગાયો દેશાવરથી ગિરમાં જવા ઉતરી પડેલી છે. ખદબદ ! ખદબદ ! થાતી એટલી ગાયો પાણી વિના ટળવળે છે. પણ ગામમાં એવો મોટો પીયાવો નથી. ગાયોની શી ગતિ થશે એવા ઉચાટ કરતા ગામલોકો પાદરમાં ઉભા છે. આટલી ગાયો આપણે ટીંબે પાણી વિના પ્રાણ છાંડશે તો આપણે ઉજ્જડ થઈ જાશું, એવી બ્‍હીકે ગામની વસ્તી ગાયોનાં ભાંભરડાં દેતાં ઓશીયાળાં મ્હોં સામે જોઈ રહી છે.

ત્યાં બૂમ પડી કે “એ આપો દાનો દેખાય. ”

ભગત આવી પહોંચ્યા. ગામલોકોએ કહ્યું કે “ બાપુ ! આમ જુઓ."

“કાં બાપ ! આ કાણું ?”