પૃષ્ઠ:Sorathi Santo.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સોરઠી સંતો
 


અાંહી ગાયોને વાંભ દીધી, ને ત્યાં જાણે પાતાળ ફાટ્યું. છાતી સમાણો વીરડો મીઠે પાણીએ છલકાઈ ગયો. પાણીનું વ્હેન બંધાઈ ગયું. અને તરસે અાંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી. ગાયોના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવવા ભગત કહેવા લાગ્યા કે “ભણેં માવડીયું ! કામધેનું ! આ તમારા પરતાપે પાણી નીકળ્યાં. જમનાજી છલક્યાં. પીવો ! ખૂબ પીવો !”

આજે પણ 'નવલખો વીરડો' નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે. એને લોકો 'આપા દાનાનો વીરડો' પણ કહે છે. થોડાં વર્ષો પર કોઈ ખેડુતે ત્યાં વાવેતર કરી, એ વીરડાનું પાણી વાળ્યું. એટલે લાખો પશુઓની તરસ છીપાવતાં એ અખૂટ પાણી થોડાં દિવસમાં જ ખૂટી ગયાં. વાવેતર બંધ થયું, એટલે ફરીવાર વીરડો ચાલુ થયો.

(૬)

ભાવનગરથી ગધેડાં ઉપર ચોખાનાં છાલકાં ભરાવીને ભગત ચલાળા તરફ ચાલ્યા આવે છે. પોતે ઘોડી ઉપર ચડેલ છે, અને ગધેડાને જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર વૈશાખના બપોર ચડ્યા છે. ઉની લૂ વાય છે. બરાબર પાડરશીંગાની સીમમાં આવતાં માર્ગે એક વાડીના ધોરીયામાં ગધેડાં પાણી પીવા ચડ્યાં. વાડીનાં અખૂટ પાણી વહ્યાં આવે છે. અને ઉપર એક સામટા સાત કોસ જૂત્યા છે. ૭૦-૮૦ વીઘામાં ઉનાળાનો ચાસટીઓ ઉભો ઉભો અખંડ પાણી પી રહ્યો છે. અને નાની શી સારણ વહેતી હોય એવો ધોરીઓ ચાલી રહ્યો છે. આમ છતાં યે ગધેડાં જ્યાં ધોરીયામાં મોઢું નાખવા જાય છે ત્યાં તો વાડીમાંથી ચહકા થયા. સાતે કોશીયાએ કોસ ઉભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી. ગાળોની ત્રમઝટ બોલાવતા. બોલાવતા ગધેડાંના મોઢાં ઉપર પરોણાની પ્રાછટ દીધી.