પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સોરઠી સંતો
 


“ઠીક ભગત ! જોશું. ”

“અને વળી જરૂર હોવે તો હું તમાળી નાત્યને જમાડાં.”

“ના બાપુ ! ઇ દાખડો રેવા દ્યો. આંહી દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાત્ય કારજ માથે ભેળી થાશે. ત્યાં તમે છોકરાને લઇ આવજો.”

પાંચ સાત વર્ષના બે રાજગર છોકરાઓ હતા. માબાપ મરી ગયા છે. ગાયો મકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને ન્યાતના કોઇ માણસે સંઘર્યા નહિ. એ નિરાધારોને આપા દાનાને આંગણે આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી છોકરાઓને ચોક્ખે રસોડે જ જમાડી, પેટનાં બચ્ચાંની માફક મોટાં કર્યા. છોકરા ઉમ્મર લાયક થવાથી હવે આપાએ એને ન્યાતમાં લેવરાવવા મહેનત માંડી.

કારજ ટાણે પોતે દેવળા ગામે ગયા. જઇને રાજગર જ્ઞાતિના પટેલીઆઓને હાથ જોડી અરજ કરી કે “બાપ ! હવે યાને નાત્ય–ગંગામાં નવરાવું લ્યો.”

“ભલે બાપુ !”

એટલું કહી બને છોકરાઓને જમણમાં જમવા લઇ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે “બાપુ ! અમને તો નોખા બેસીને જમાડ્યા.”

ભગતે ફરી વાર ન્યાત-પટેલીઆને તેડાવીને વિનતિ કરી. દુત્તા પટેલો બોલ્યા કે “ના, ના બાપુ ! છોકરાઓને તો વ્હેમ છે. અમે તો એને ભેળા જ બેસાર્યા'તા.”

“તવ્ય બાપ ! હું ભણાં ઇ કરો ! તમમાં મોટેરા હો ઇ યાની થાળીમાં જ જમુ લ્યો.”

ભાણામાં ભેળા બેસીને જમી લ્યો ! એ વેણ સાંભળતાં જ આગેવાનો એક બીજા સામે જોવા લાગ્યા. ને છેવટે દંભનો અંતર્પટ ઉઘાડીને બોલ્યા કે “બાપુ ! એમ તો નહિ બને. છોકરાએાએ જગ્યાના રોટલા ખાઈને કાયા અભડાવી છે. માટે ગંગાજી ન્હાવા ગયા વગર ઉપાય નથી. "