પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૪૩
 


“ભણેં બાપ ! તવ્ય ઇં ચોક્ખો ચટ ભણું નાખોને ! ખુશીથી ગંગાજી નાઇ આવે. પછી કાંઇ ? ”

“પછી કાંઇ નહિ.”

જરા વાર વિચાર કરીને ભગત બોલ્યા કે “હેં બાપ ! ભણેં આ છોરડા બચારા ગરીબ છે, ગંગાજીએ પોગી ન શકે, અને સાટે ગંગાજી જ આસેં પધારૂને યાને નવરાવે તો કેમ ?”

બાવાની બેવકૂફી ઉપર બધા રાજગર મરક ! મરક ! હસવા લાગ્યા. તમાશો જોવાની વૃત્તિથી બોલ્યા કે “તો બહુ સારૂં.”

“વાહ વાહ ! એલા, કોઇ એક તાંસળી લાવજો તો !”

ભગતે તાંસળી મંગાવી. ઉભા થયા. બે હાથમાં તાંસળી ઝાલીને આકાશ સન્મુખ ધરી રાખી. પોતે આભ સામી મીટ માંડીને બોલ્યા કે “એ માડી ! તું તો અધમ-એાધારણી છો ! આભ મેલુને ધરતીનાં મળ ધોવા આવી છો. તું તો ભણેં માવડી ! ભગતુંની જીભને વશ છો. જો મા ! આ બેય છોરડા પવિતર જ રહ્યા હોય, તો તો તું આવીને યાને નવરાવું જાજે. ઈ બચાડા તાળી પાંસે પોગે એમ નસેં.”

એટલું ઉચ્ચારીને ભગત ઉભા રહ્યા. સહુ જુએ છે તેમ તાંસળી છલકાણી. ઉપરથી નિર્મળાં નીરની ધારાઓ છૂટી. અને ભગતે છોકરાને બોલાવ્યા “ભણેં છોરડાઓ ! બાપ હાલો, બેય જણ નાઇ લ્યો.”

છોકરા તરબોળ બની નહાયા. તો પણ ધારા ચાલુ છે. ભગતે સાદ દીધો કે “બાપ ! બીજા જેને નાવો હોઇ ઇ આવે ! ”

બીજા ઘણાએ સ્નાન કર્યું.

“હવે બાપ ! ભણેં હવે તો છોકરાઓને નહિ તારવો ને ?"

“ના.”