પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સોરઠી સંતો
 


પણ રાજગર ન્યાત ન માની. એણે તો કહ્યું કે “આપો તો કામણકૂટીઓ છે. ઇથી કાંઇ ગંગાજી આંહી આવી ગઇ ? ઇ તો છોકરાએાએ ગંગાજીએ જઇ આવવું જ પડશે.”

તે દિવસે ન્યાતમાં છોકરાને તારવવામાં આવ્યા. એ વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ઠાકર ! ઠાકર ! એમ બોલીને ભગતે નિશ્વાસ નાખ્યા.

બપોર થયું ત્યાં તો બુમાબુમ ને દોડાદોડ થઈ પડી. રાજગરોએ આવીને ભગતના પગ ઝાલી લીધા. “બાપુ ! તમારી ગા' ! કોઇ રીતે ઉગારો !”

“કાં બાપ ! કાણું થીયો ?”

“ન્યાતમાં જમનારા તમામને ઝાડો ને ઉલટી ચાલ્યાં છે. સૈાનું મોત સામે ઉભું છે. કોઇ રીતે ઉગારો !”

“ભણેં બાપ ! હું કાણું કરાં ! મેં કાંઇ મંતર દાણા છાંટ્યા નથ. મેં કાંઇ સરાપ નસેં દીનો. હું તો ગાયુનો ગરીબ ટેલવો સાં, બાપ ! માળો કાણું ઉપા' !”

“બાપુ ! ઓલ્યા રાજગરના છોકરા...”

“હા બાપ! મારી આંતરડી કોચવાણી છે. બાકી મેં કાણું ય કામણ કર્યો નથ. છોરડાની કદુવા લાગી હોય, તો ઇ જાણે ને તમે જાણો !”

“બાપુ ! તમે કહો એમ કરીએ.”

“બાપ ! તો પછી ભણેં ઇ છોરડા રાંધે ને તમે સીંધા જમો.”

“ભલે બાપુ !”

“ભણે છોરડાઓ ! તમે રાંધુ જાણો છો ?”

“બાપુ ! અમને તો ચોખા રાંધતાં આવડે. બીજુ કાંઇ નહિ.”

છોકરાઓએ ભાત રાંધ્યા, ને એ ભાતે આખી ન્યાત જમી.