પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૪૫
 

સંધ્યાની રૂંઝ્યો રડી ગઇ છે. અંધારાં ઉતરવા લાગ્યાં છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અંદર એક ગાડાખેડુ કાંટાની મોટી ઘાંસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે. પણ ભારે વજનની ઘાંસી કેમેય ચડતી નથી. બપોર દિવસથી મથ્યા કરતો એ આદમી આખરે અંધારૂ ઘોર થઈ ગયે થાક્યો, અને ઘાંસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું. ઘાંસીની એક બાજુ ગાડીનું ઠાઠું રાખ્યું, અને બીજી બાજુ પોતે કાંટામાં પોતાની કમર ભરાવી, જોર કરી, સાદ દીધો કે “એ આપા દાના ! ઘાંસી ચડાવજે ! ”

જોર દીધું . ધાંસી ચડી ગઇ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહિ. પોતે ગાડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાનો હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક આજ પણ રાતે એ ભગતના પગ ચાંપવા ચાલ્યો.

“ભણેં બાપ દાના ! મારા વાંસામાં બેક કાંટા છે તે કાઢું નાખજે !” ભગત બોલ્યા. દીવો લઈને હજામ પોતાની નેરણી વતી કાંટા કાઢે છે, જુવે છે તો બે નહિ, પણ આખા વાંસામાં કાંટા હતા.

“બાપુ ! આટલા બધા કાંટા ક્યાં વાગ્યા ?”

“સીમમાં ભાઇ !”

“શી રીતે ?”

“તારી ઘાંસી ચડાવી ને, એ રીતે.”

“બાપુ ! તમે !”