પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સોરઠી સંતો
 


“હું કેમ ન હોઉં બાપ ! તે મને સંભારીને સાદ કર્યો; તું મારી રોજ ચાકરી કરનારો: ને હું તારૂં વેણ કોક દિ'યે ન રાખું ભાઈ !”

“બાપુ ! મારી ભૂલ થઈ.”

“કાંઈ વાંધો નહિ બાપ ! સાધુનાં તો એ કામ છે.”

લાળા ગામમાં બે સોની ભાઈઓ અડોઅડ રહે છે. બન્નેના ઘર વચ્ચે એક જાળી છે. બન્નેને અદાવત છે.

એક દિવસ એ બેમાંથી જે ગરીબડો ભાઈ હતો, તેનો ઘેાડો ફળીઆમાં બાંધ્યો બાંધ્યો, વચલી જાળીના સળીઆ વાટે પોતાનું મ્હોં નાખી જીભ ફેરવતો હતો.

જાળીમાં બેઠેલા દ્વેષીલા સોનીએ પોતાના પાડોશીને હાનિ પહેાંચાડવાનો ભારી લાગ જોયો. ધારદાર હથીઆર લઈને ઘોડાની જીભ કાપી નાખી. ચાર આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જૂદો થઈ જતાં તે લોહીલોહાણ ઘોડો જમીન પર પછડાટી ખાઈને તરફડવા લાગ્યો, વેદનાનો પાર ન રહ્યો.

ઘોડાના માલીકનું આખું ઘર એ ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાડકવાયા ઘોડાને આવી કરપીણ રીતે તરફડી મરતો જોઈ ચોધાર આંસુડે રોવા લાગ્યાં. છોકરાં ઘોડાને બાઝી પડ્યાં, ઘરનો માલીક આપા દાના ! આપા દાના ! એવા જાપ જપવા લાગ્યો.

નાનું શું ગામઃ તુરત જગ્યામાં જાણ થઈ. ગામલોકોના દુઃખની જરાક પણ વાત જાણતાં દોડ્યા જનાર દાના ભગત જલ્દી સોનીને ઘેર પહોંચ્યા. ઘરનાં માણસો બાપુને દેખી પગે પડ્યાં. બોલ્યાં કે “બાપુ, અમારા ઘોડાની પીડા જોવાતી નથી.”