પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સોરઠી સંતો
 

દિવસ સુધી ચલાળાની પરોણાચાકરી માણીને મહેમાનો કુંડલ ભણી ચાલ્યા. શેલ નદીને કાંઠે આવતાં સહુને વિચાર ઉપડ્યા કે કુંડલા જઈને કસુંબા પાણી શેના કાઢશું ? ખરચી હતી તે તો ચલાળે કસુંબામાં ખૂટી ગઈ !

“ભણેં હાલો પાછા ! ચલાળું ભાંગીએ. ત્યાં કણબણોના પગમાં કાંબી કડલાં ખુબ ઠણકે છે. ”

દુષ્ટ કાઠીઓએ પાછા આવીને લૂંટ આદરી. ઘણું લીધું, પણ ત્યાં તો ઘણી વસ્તી પોતાની માલ મત્ય લઈને આપા દાનાની જગ્યામાં પેસી ગઈ. માન્યુ કે કાઠીઓ જગ્યાને માથે નહિ આવે ! ત્યાં તો લૂંટારાનું ધ્યાન ખેંચાયુ.

“એલા ! સંધી વસ્તી માયા ઉપાડીને ક્યાં ગઈ ? ”

“ ગઈ હશે જગ્યામાં ? ”

“ હાલો લૂંટો જગ્યાને ”

કાઠીઓ જગ્યામાં પેઠા. એણે મરજાદ મેલી. ઠાકરના ઘરની એબ લીધી. દોડીને આપા દાનો આડા ઉભા રહ્યા. કહ્યું “ ભણેં બાપ ! ગામને લૂંટ્યું ઈથી ધરાણા નથી ? તે હવે ઠાકરની મરજાદ લોપવા આવ્યા છો ? અને ભૂલી ન જાવ, કે હું કાઠીભગત છુ.”

કાઠી ન માન્યા. લૂંટ આદરી. એ ક્રૂરતા ભાળીને ભગતે ગાયની માફક આકાશ સામે જોઈ ભાંભરડા દીધા. એનાં મુખમાંથી ધા નીકળી કે “કાઠી સહુ પોઠી બનશે”: કાઠીઓ કેવળ વેઠીઆ બની જશે ! (આજે કાઠીની એજ દશા થઈ દેખાય છે.)

કાઠીની ફોજમાં મીરાંજી ધંધુકીઓ હતો. એને ન્હાવું હતું. જોરાવરીથી જગ્યાના સાધુને હુકમ કર્યો કે “ મને સીંચીને નવરાવ.”

ત્યાં ભગત દોડ્યા: “ એ બાપ ! ભણેં સાધુહીં સંતાપવો રેવા દે, હું નવરાવાં, હાલ્ય બાપ !”