પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી સંતો
૫૨
 


શાદુળ ભગતની પાંપણ ધરતી ખોતરી રહી છે. એનો મદ ગળેલો જોઇને છેવટે આપા દાના બોલ્યા:

“જો બાપ શાદુળ ! દુ:ખ ધોખો લગાડીશ મા. તોંહેં એક વાત ભણવા આદો સાં. ગરીબ બચારાં લોકોના ઘરમાં વહુ આણો વળુને આવે, તયેં ભેળો એક ઢોલીઓ લાવી હોય. બીજો ઢોલીઓ કીસેથો હોય ? એમાં તું ઘરોઘરના ઢોલીઆ ભાંગતો ફરછ, ઇ કેટલો મોટો પાપ ! માણસ કેવા નિસાપા નાખે? એ બાપ અંતરમાં રંગાઉ જા. બહારનો તમાસો કેવા સારૂ કરવો ?”

શાદુળ ભગતનો ગર્વ ગળી પડ્યો. તે દિવસથી એણે ઢોલીઆ ભાંગવાનો ધંધો મૂકી દીધો.

૧૨

ગતના નિર્લોભી પ્રકૃતિનાં થોડાંએક દૃષ્ટાંતો મળી આવે છે. એક વાત એવી ચાલે છે કે ભાવનગરથી ઠાકોર વજેસંગજીએ, દાના ભગતની, સિદ્ધિઓની વાતો સાંભળી એની મશ્કરી કરવા માટે લાકડાનું બનાવટી નાળીએર બનાવી, લુગડામાં લપેટી, પોતાના મહોર સિક્કા સહિત જગ્યામાં ભેટ મોકલાવ્યું. ભગતે પોતાની મશ્કરીથી માઠું નહિ લગાડતાં, સહુ માણસો વચ્ચે એમ ને એમ નાળીએર હલાવીને પાણી ખખડતું બતાવ્યું. પછી એની એ સીલબંધ સ્થિતિમાં પાછું ભાવનગર મોકલી દીધું. ત્યાં શ્રીફળ સાચું નીકળ્યું. કહેવાય છે કે પછી ભાવનગરના ઠાકોરે ચલાળાની જગ્યામાં કરજાળું ગામ સમર્પણ કર્યું.

ભગતે જવાબ કહાવ્યો “ના રે બાપ ! સાધુને વળી ગામ કેવા? ઇ તો ખેડૂતનો સંતાપ હશે એટલે જ આપણને દેતા હશે."

ગામ ન લીધું. પણ ઠાકોરે મહા મહેનતે ભગતને મનાવીને છ સાંતી જમીનનો જગ્યામાં સ્વીકાર કરાવ્યો.