પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સોરઠી સંતો
 

ભગતને પગે પડી, આગ્રહ કરી, વિઠોબાએ સોનારીયાની સો વીઘા જમીન કાઢી દીધી, અને રૂ ઉપર મણે એક આનો જગ્યાનો લાગો ઠરાવી દીધા.

લોકો માને છે કે ભગતના હાથથી લીધેલા જુવારના પાંચ ખેાબા એને ભાખ્યા મુજબ બરાબર ફળી પડ્યા. અમરેલીના પાંચ મહાલ બંધાઇ ગયા.

૧૩

પાંચાળમાં થાન પાસે તરણેતર (ત્રિનેત્ર) નામનું શંકરનું તીર્થધામ છે. વરસોવરસ ત્યાં મેળો ભરાય છે. પાંચાળના બધા ભક્તો ભેળા થાય તેમાં ચલાળેથી આપો દાનો પણ દર વરસે આવી જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી મુકામ કરે છે. એક વખત ભગતે જાત્રાળુઓનો પોકાર સાંભળ્યો કે પાળીઆદ ગામના કાઠી પાતા મનનો દીકરો વીસામણ મન મોટો લૂંટારો જાગ્યો છે. વીસામણ વાટમાં ઓડા બાંધીને વટેમાર્ગુના જાનમાલ લૂંટી જાય છે. પાંચાળના રસ્તે રસ્તા એણે રૂંધી લીધા છે.

ભગતના મનમાં વિચાર થયા જ કરે છે કે “કોક દિ વીસામણને ને મારે ચાર આંખ્યું ભેળી થાય તો ઠીક.”

થાનનાં દેવળો પર ચડાવવાની ધજાઓ એક પોઠીઆ ઉપર લાદીને આપો દાનો પેાતાના સાધુઓ સાથે પંચાળ જાય છે. વનરાઇમાં ઝાંઝ પખાજ અને કડતાલોના નાદ સાથે હરિભજન ગવાતાં આવે છે.

માંડવના ડુંગરા જાણે હરિજન બનીને સાથે સાદ પૂરાવે છે. માંડવ ઉપર ઓડા બાંધીને બેઠેલા વિકરાળ ધાડપાડુ વીસામણે પોતાના કાઠીઓને કહ્યું કે “ જાવ, કોક રેશમીનો પોઠીઓ લાગે છે, લૂંટી લ્યો. ”