પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૫૭
 


તપાસ કરીને કાઠીઓ બોલ્યા “પણ આપા વીસામણ ! એની હારે ઓલ્યો દાનો લંગોટો છે. ઈ સાધુ કે'વાય.”

“તે એને લૂંટશો મા. ભેળાં જાત્રાળુઓ છે તે તમામને ખંખેરી લેજો.”

લૂંટારાએાએ ભક્તમંડળને ઘેરી લીધું. અને ત્રાડ પાડી કે “માલમત્યા મેલી દ્યો હેઠે.”

દાનો ભગત સહુની મેખરે આવીને પૂછવા લાગ્યા કે “ભાઇ ! પેલો મુંહે લૂંટો, પછે આ સહુને.”

“તું ખસી જા ભગત ! તુંને ન લૂંટવો એવી અમારા સરદારની આણ છે.”

“તવ્ય તો તમાળો સરદાર સાવ હૈયોવોણો નથ દેખાતો. કિસે છે તમારો સરદાર ?”

“સામેના ડુંગરા માથે.”

“ભલા થઉને મુંહે ત્યાં સુધી લઉ જાવ. પછે ખુશીથી આ સંઘને લૂંટુ લેજો !”

ભગત ડુંગરા ઉપર ગયા. અસુર જેવો લૂંટારો વીસામણ વાંકડી મૂછે ને વિકરાળ ચહેરે બેઠો છે. લૂંટનો માલ ઢગલા મોઢે પડેલો છે. અને એક મંગાળા ઉપર બે મોટાં હાંડલાં ચડેલાં છે. ખાવાનું રંધાતુ હોય તેવું લાગ્યું .

“ભણેં બાપ વીસામણ ! તું ભગવાનનાં જાત્રાળુહીં લૂંટતો છે બાપ ? હું તો કામધેનની ટેલ કરતો સાં.”

લૂંટારો બેપરવાઇથી બોલ્યો: “ભણેં ભગત ! હું ભગવાન બગવાનમાં કાણો ય સમજું નહિ. તું ને તાળા ટેલીયા હાલ્યા જાવ. બીજાં જાતરાળુહીં તો લૂંટવા જ જોશે.”

“બાપ વિસામણ ! ઇ તો તું જેવા ધાડપાડુનો ય ધરમ નથ. તાળી હારે હાલનારહીં તું લૂંટાવા દે ખરો ?”