પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સોરઠી સંતો
 

ધરધી નહિ ને આપાના ખુંટડાઓમાં જઇને રહી.” સગા વ્હાલાંએ એને તિરસ્કાર દીધો. ધરતી પોતાને ક્યાંયે સંઘરે તેમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઇ આપધાત કરવાનો મનસૂબો લાખુના અંતરમાં ઉપડવા લાગ્યો.

અધરાતે જગ્યાનાં સહુ માણસો ઝંપી ગયાં એટલે લાખુ કૂવા કાંઠે ગઇ, “ હે આપા દાના !” એવો નિસાસો નાખીને મંડાણેથી પડતું મેલવા જાય છે ત્યાં કોઇએ એનું કાંડું ઝાલ્યું.

કાંડું ઝાલનાર આપા દાના પોતે જ હતા, સહુ ઉંધી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી.

“લાખુ ! બેટા ! કુવામાં પડુને હાથ પગ શીદ ભાંગતી છો ? તાળા પેટમાં તો બળભદર છે. ઇ કોઇનો માર્યો નથી મરવાનો. નાહક શીદ વલખાં મારૂ રહી છો ?”

લાખુ રોઇ પડી : “ બાપુ ! હું ક્યાં જઇને સમાઉં ? જીવતાં મને કોણ સંઘરશે ?"

પંપાળીને ભગત બોલ્યા : “દીકરી ! ઠાકર તુંહે સંઘરશે. આ જગ્યામાં તાળા સાચા માવતરનો ઘર જ માનજે.”

ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા. નવ મહિને એને દીકરો અવતર્યો. દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મંડ્યા તેડવા ને રમાડવા. પોતે જ એનું નામ 'ગીગલો' પાડ્યું. સાત વરસની અવસ્થા થઇ ત્યાં ગીગલે વાછરૂ ચારવા મંડ્યા. એથી મોટો થયો એટલે મંડપે ગાયો ચારવા. એમ કરતાં ગીગલો બાવીસ વરસનો જુવાન જોદ્ધો બન્યો. રાત અને દિવસ ભૂખ તરસ જોયા વિના ગાયોનાં છાણ વાસીદાં અને પહર-ચારણમાં ગીગલો તલ્લીન બની ગયો છે. જોબનના કૂડા રંગ એને ક્યાંયે બેઠા નથી.

એવે એક દિવસ પાળીયાદથી વીસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે. સવારને પહોર આપો વીસામણ અને આપો દાનો ઓટલે બેઠા બેઠા સાધુ બ્રાહ્મણને અને અપંગોને જુવાર આપે છે.