પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૬૩
 

ધામમાં આપા ગીગાની કરૂણા બે ધારાઓ વાટે વહેવા લાગી. એક ગૌ-સેવા: ને બીજી ગરીબ-સેવા: ગિરના ડુંગરામાં ગાયો માટે ચરણને તોટો નહોતો. શ્રદ્ધાળુ ગામડીયાં “આપા ગીગા"ને નામે પોતાનું કંઇક કલ્યાણ થાતાં જ સતાધારને ખીલે ગાય ભેંસ કે ઘોડાં બાંધી જતાં અને તે જ રીતે છાશ દૂધ વિના દુઃખી થતાં દીનજનોને ભગત એ પશુ પાછા ભેટ દેતા. બીજી બાજુ આઘેથી ને એારેથી અપંગો, રકતપીતીઆાં અને અશક્તો આજારો પગ ઢરડીને સતાધાર, ભેળાં થઇ જતાં. એટલે ત્યાં એને કશી સૂગ વિના રાબરોટી અપાતાં. સતાધાર તો જૂના સમયનું અનાથ-આશ્રમ હતું. ગીગો માનવીને દેતો, તેમ ઇશ્વર પણ ગીગાને દઇ જ રહેતો. મુસલમાન જાતના એ ગધૈ સંતને જગતના જાતિભેદ તો ટળી ગયા હતા.

૧૫

લાળા ગામમાં ઉકા દોશી નામના એક વેપારી રહે. હાટમાં ન માય એટલા ઘીના કૂડલા : દોઢસો મણ તેલે ભરેલી લોઢાની કોઠી : ધીકતો વેપાર : હાટ તો જાણે હાંફ્યું જાય છે.

“આપા !” ઉકા દોશીએ ભગતને કહ્યું, “ આપા, અમને જગ્યાનું મોદીખાનું આપોને.”

“બહુ સારૂં ભણેં ઉકા ! પણ આ તો મૂંડીયાનો માલ ભણાય : તું બાપ ઝાઝો હાંસલ લેશ મા હો !”

“ના રે આપા, હાંસલની વાત તે હોય ! આ તો મલકમાં લુંટારાનાં ઘોડાં ફરે છે, તે અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમે આપાના મુનિમ છીએ, એટલે અમને કોઇ લૂંટે નહિ.”

“તો ભલેં બાપ !”