પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૬૭
 

એના આ વિચારને “સાચું ! સાચું !” એવા શબ્દે વધાવી લે છે. પણ કદિ ચોખી હા ના કહેતા નથી.

તરણેતરનો મેળો મળ્યો છે. માનવી માતાં નથી. માંડવના ડુંગરાનો પાણો પાણો સજીવન બની જાણે મેળાનાં ભજન કીર્તનમાં ટૌકા પૂરે છે. તે વખતે બન્ને જણા માંડવામાં ઉભા છે.

શ્રાવણ માસનાં સરવડા ઝીલતી ચોમેરની ધરતી લીલી એાઢણીએ મલકી રહી હતી અને ઠેકાણે ઠેકાણે ધેનુઓનાં ધણ, કંઠે ગુંજતી ટોકરીએ ને પગમાં રૂમઝુમતાં ઝાંઝરે ડુંગરડા ગુજવતાં હતાં.

આપા દાનાની આંખો દસે દિશામા રમવા લાગી. પાંચાળ પોતાની પ્યારી જન્મભોમ પાંચાળને આવી રળીઆમણી ભાળીને ભગતનો પ્રાણ ઈશ્વર પ્રતિ આભારે પીગળી પડ્યો. જગતના ભાર ઝીલનારી ધેનુએાના સુખ–કલ્લોલ નિહાળી આપાનાં નેત્રો જાણે સુખ–સમાધિના ઘેનમાં ઘેરાવા લાગ્યાં. વીસામણ એની બદલાતી મુખમુદ્રા સામે તાકીને જાણે પોતાના પાપાત્માની તરસ છીપાવવા મંડી પડ્યો. સુખના કેફમાં ભગત બેાલ્યા :

“બાપ વીસામણ ! આંહી માંડવમાં મારૂં દલ બહુ ઠરે છે. નાનપણમાં હું આંહી કામધેનુઓ ચારતો, એ સમો આજ સાંભરી આવે છે. ફરીવાર ઠાકર બાળાપણ આપે, બધુંય જ્ઞાન ભાન ભૂલી જવાય, જગત મને માનતું મટી જાય, ને હું સદાકાળ આંહી ગાવડિયું જ ચાર્યા કરૂં, માતાજીયું ને ખંજવાળ્યા જ કરૂં, ઇ તો મને મુગતી થકીયે મીઠેરૂં લાગે છે. ઓહો જીતવા ! ઇ દિ' તો ગયા. હવે તો આ મોટપની શિલા હેઠળ મનડું ભીંસાઇ મુવું ! ઠાકર ! ઠાકર ! ઠાકર ! હે ઠાકર !...