પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સોરઠી સંતો
 


ભગતનો આત્મા જાણે ઉંડી કોઇ ગુફામાં ઉતરી ગયો. નેત્રોમાંથી દડ ! દડ ! દડ ! દડ ! ધારા ચાલી.

“બાપ વીસામણ ! તુંને વાંભ દેતાં આવડે છે ?”

ભેાંઠો પડીને વીસામણ બેાલ્યો “ આપા ! મેં કુકર્મના કરનારે ગા ક્યાંથી ચારી હોય તે વાંભ દઇ જાણું ? કાગડાના મ્હોંમાં રામ ક્યાંથી હોય બાપુ !”

કાનમાં આંગળી નાખીને ભગતે પોતે જ વાંભ દીધી. નાનપણનો મ્હાવરો હતો, મીઠું ગળું હતું. ને આજ ગાયો ઉપર અંત:કરણ ઓગળી જતું હતું. ગોવાળ તે શું વાંભ દેશે ! એવી મીઠી, વિજોગી બાળક માને બોલાવવા વિલાપ કરે તેવી, મોરલો વાદળીને રોકવા મલ્લારના સૂર ટૌકે તેવી એક વાંભ દીધી.

થોડી વારમાં તો સીધા વાંકળા સોંસરવી એક કાળી – આખે અંગે કાળી રૂપાળી ગાય ચાલી આવે છે. પૂછડું ઉંચું કરીને માથે લઇ લીધું છે. કાન ઉભા થઇ ગયા છે. તાજી વીંયાઇ હોય એવું એનું આઉ ઝુલે છે. આવીને ગાય ઉભી રહી. ભગત એને “મા ! મા ! મા !” કરતા ખંજવાળવા લાગ્યા.

“વીસામણ ! દોતાં આવડે છે ?”

વીસામણ ફરી વાર ભોંઠો પડ્યો.

“વીસામણ ! ખાખરાનાં પાંદડાં તોડીને પડીયા કરવા માંડ.”

પાંચ પાંચ શેડ્યો પાડીને ભગત પડીયા ભરવા લાગ્યા.

“સહુ મનખ્યો ભલેં પરસાદી લીએ !"

માણસો આવી આવીને પડીયા પીતાં જાય છે.

“બાપ વીસામણ ! માતાજીને ડીલે હાથ તો ફેરવ્ય ! ઇ તો આવડશે ને ? લે આપણે બેય હાથ ફેરવીએ. માતાજી દુવા દેશે.”

શરમીંદા થતા વીસામણનો હાથ પોતે ઝાલીને ગાયના શરીર પર ફેરવ્યો. જેમ જેમ હાથ ફરતો ગયો તેમ તેમ ગાયનો દેહ કાળો મટીને સ્વેત સુંદર બનવા લાગ્યો.