પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભેડા સાથે ઝીંકાઝીંક કરી રહેલ એ ભૂખરો દરિયો ખારવાનાં બચ્ચાંને મોતનો ભય ભુલાવે છે. કાળાન્તરે કાળાન્તરે એ ભૂશિરના કાંઠામાં મોજાંની કોદાળીઓ મારી મારીને થોડાં થોડાં જબ્બર ગાબડાં પટકનાર આ સિંધુ ખારવાનાં બાળને જાણે કાળ-હાલરડાં ગાઈ ગાઈ ઉંઘાડે છે. કોઈ કોઈ વસ્તીના ખોરડા ઉપર તો મેંગલોરી નળિયાં દીપી રહ્યાં છે.

ચાંચના ચોરાની પાસે કોડીબંધ પાળિયા ઊભા છે - જૂના તેમ જ નવા. "આ પાળિયા કોના?"

"આ સાંઢ્યું માથે બેઠા એટલા રબારીયુંના, ને ઘોડે અસવાર એટલા અમારા કોળીયુંના."

"રબારીઓની વસ્તી આંહી હતી?"

"મોરૂકી હતી. ધરતી માથે જી વેળા બારવટિયાના ઘોડાં હાલતાં ને જંપવા ન દેતાં. ત્યારે રબારીઓએ માલ ઘોળીને આમાં આશરો લીધેલ."

"પછી?"

"પછી અમારા ખારવાઓએ આવીને રબારીનો વંશ કાઢ્યો. ધિંગાણાં થતાં તેમાં મૂઆ ઈની આ ખાંભીયું છે. અમે અટાણે કોળી, પણ અમારી શાખ છે મકવાણા, ગોહલ, બારિયા વગેરે રજપૂતોની. એટલે અમારીય ખાંભીયું."

"પણ આ નવી ખાંભીઓ છે તે કોની?"

"ખાંભી તમામ કાંઈ ધિંગાણે મૂએલાંની જ નથી હોતી. દરિયે બૂડીને મરે, ગળે ફાંસો ખાય, એરુ આભડવાથી મરે - મતલબ કે અસદ્ગતિએ જાય એની સૌની ખાંભી ખોડાય."

આ સ્થળોમાં વહાણવટીઓની તમામ ખાંભીઓ ઘોડેસવારના સ્વાંગમાં દીઠી, ત્યારે બેટ શંખોદ્વાર કનેના બરાબર આના જ પુરાતન સ્થાન આરંભડાને પાદર મેં પાંચ વર્ષો પૂર્વે ખુદ વહાણની જ ખાંભી દેખી હતી. પાળિયામાં વહાણનું ચિત્ર કંડાર્યું હતું.

"તમારું વહાણવટું કેમ ચાલે છે?"

"હવે તમામ ભાંગી ગયું. જૂના વખતમાં આ મોટે દરિયે ચોરીના માલનાં વા'ણ