પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊભા રહેતાં, અમને ઝંડી ફરકાવીને જાણ કરતા, એટલે અમારા વડવા આંહીથી મછવા લઈ ત્યાં જઈ પોગતા; અને સસ્તે ભાવે બધો માલ લઈ આવી પછે આસપાસ ગામડાંમાં વેચતા."

"તમારા વડવા આંહીં નીકળતાં વહાણોને લૂંટતા નહિ?"

"ના રે ના!" દોંગાઈભર્યો જવાબ મળે છે. "પણ અમે ચોરાઉ માલ રાખવાનો ધંધો કરતા એટલે રાજમાંથી સત્તાવાળાઓએ આવીને અમારાં વા'ણોને સળગાવી દીધાં. અમારું વા'ણ બાંધવાનુંય બંધ થયું."

"ત્યારે 'ચાંચિયા' નામ આ ચાંચ પરથી જ પડ્યું હશે ને? આંહીં તો ધમધોકાર ચોરીલૂંટ ચાલતાં હશે જૂના કાળમાં, ખરુંને?"

દરિયાઈ લૂંટારા તરીકે નિંદાઈને નાશ પામેલી આ કોમમાં અગાઉ કેવા સાહસ-શૂરાતન ખેડનાર સાગરના સાવઝો પાક્યા હશે તેનો ઇતિહાસ જ 'અમે ચોરલૂંટારા!' એ મનોદશાની હેઠળ દબાઈ ગયો છે. એની પુરાતન વીરતા ઉપર અત્યારે એક એવી બેઆબરૂનો પોપડો રહી ગયો છે કે કોઈ અવશેષ જ હાથ આવવો કઠિન થઈ પડે છે. ચાંચવાળા વહાણવટીઓ ઘણાખરા ખેડમાં લાગ્યા, કેટલાક ભાવનગર-જાફરાબાદ મજૂરીએ ચડ્યા, ને થોડાક જુવાનો પારકાં વહાણો પર ચડીને ખેપો કરે છે.

"ચાંચની શીતળાનું નામ તમે નહિ સાંભળ્યું હોય?"

"ના, શીતળા કોણ?"

"વરવો નામે આંહીંનો ખારવો હતો. જબરો દરિયાઈ ચોર હતો. એનું નામ જ 'શીતળા માતા' પડેલું, કેમ કે આ દરિયેથી જે કાંઈ માલ ભરીને વા'ણ નીકળે, તે તમામ જાતના માલમાંથી એનું દાણ ચૂકવવું પડે. આખરે એક દિવસ જાફરાબાદની સીદી સરકારની જાલી-બોટમાં વરવો ઝલાઈ ગયો. એને હાથે કડી પે'રાવી હતી. એમાં વરવો રાતે ઠેકીને ભાગ્યો. જાફરાબાદથી આંહી લગીનો પાંચ ગાઉ દરિયો બાંધેલ હાથે તરીને આવી પોગ્યો."

મને થયું : આવી તાકાતને નવી મર્દાઈને માર્ગે ચડાવનાર કોઈ ન મળે?

"આ અમારો પુરાતન રૂખડો. ત્રણ મહિના ઉપર વાવડો થયો તેમાં આ પડી ગયો."

જડમૂળથી ઊખડી પડીને જમીનદોસ્ત થયેલ એ જાજરમાન વૃક્ષદૈત્યની સામે હું જોઈ રહ્યો. એના થડના પોલાણમાં આખું ગાડું ચાલ્યું જાય, તે પરથી એ જાડનું પરિમાણ કલ્પી શકાશે. એને વડવાઈઓ નથી ઝીણાં ઝીણાં પાન છે. પણ વનસ્પતિના કોઈ ઢૂંઢા રાક્ષસ જેવું એનું કદ અને સ્વરૂપ દીઠું.

"આ રૂખડાની ડાળે ડાળે તો, ભાઈ, દર અખાત્રીજે કૈંક હીંચકા બંધાતા, કાયમ આંહીં નાનાં-મોટાં છોકરાં રમતાં, પણ જ્યારે એ પડ્યો ત્યારે પાસે કોઈ જ નહોતું. એ જાણેકે લાગ દેખીને પડી ગયો, કોઈને ઇજા કરી નહિ."

ચાંચનો એ 'રૂખડો' નામે પંકાયે વૃક્ષદૈત્ય લગભગ જાત્રાનું ધામ બની ગયો હતો.