પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની સાથે પણ કોઈક દેવદેવીને ગોઠવી દઈ 'ધરમ'ની દુકાન માંડવાની વેળા થઈ ગયેલી. બાપડો હશે કોઈક સંસ્કારી જીવ, કે વખતસર એણે સોડ તાણી લીધી.

કેટલો બુજરગ હશે એ રૂખડો? કોઈ ન કહી શકે. એ જ જાતનાં જાજરમાન બે ઝાડ મહુવાના સમુદ્રતીરે દીઠાં. જાણકાર કહે છે કે, ભાઈ, આ ઝાડનાં મૂળ આંહીંનાં નથી, આફ્રિકાને કાંઠેથી આપણા અસલી વહાણવટીઓએ જ એ રોપા આણીને આ ધરતીમાં ચોંપ્યા હશે. અથવા તો આફ્રિકા અને એશિયા બેઉ ખંડો તૂટીને કટકા નહિ થઈ ગયા હોય, એક જ હશે, તે વખતની આ કંઠાળી વનસ્પતિ હશે.

તદ્દન કુદરતી રીતે જ જર્જરિત થયેલાં એનાં મૂળિયાં કેટલા કાળાન્તરે આજ આટલી આસાનીથી ઊખડી પડ્યાં હશે! કોઈ વનસ્પતિનો અભ્યાસી હોત તો કહી શકત. ચાંચનો 'રૂખડો' જતાં હજારો વર્ષનો એક ઇતિહાસ - લેખ ભૂંસાયો છે. સૌરાષ્ટ્ર દેશની કાંઈ કાંઈ તવારીખોનો એ મૂંગો સાક્ષી હશે. સોરઠના રત્નજડિત સાગરતીરની શતકોજૂની ચડાતી-બઢતી એ રૂખડાએ નીરખેલી હશે. કોઈ નામાંકિત મ્યૂઝિયમમાં મૂકવા લાયક એ વૃક્ષદેહ-મમી છે. એનાં પડેપડ કોઈ વેદના પુસ્તકની માફક ઉકેલાવવાં જોઈએ. પણ એ ભાષા ઉકેલનાર જયકૃષ્ણ ઇંદ્રજી હવે નથી.

આવા કોઈક કોઈક રૂખડા, સ્વાદિષ્ટ વાલના મહેકતા છોડવા, દુષ્કાળમાં ગરીબોને ધાન્યને અભાવે ટકાવ આપનાર શેવાળિયાની ભાજી, અને ખાડીને કિનારે અર્ધ પાણીમાં ઉગેલાં તમ્મરિયાંના ઝાડવાં : એટલી આંહીથી છેક તળાજા સુધીની કંઠાળ વનસ્પતિ. તમ્મરિયાંનાં ઝાડ તો ભેંસોને માટે ખોળ-કપાસિયાની ગરજ સારે એવું રસાળ ખાણ છે તે આજે જ જાણ્યું. ભાવનગરમાં તો કહે છે કે એનાં ગાડાં ને ગાડાં વેચાય છે, દુધાળાં ઢોરને એ ભાવવાનું કારણ એની ખારાશ છે. દરિયાનાં પાણીમાં જ એ ઊગે છે ને ઊઝરે છે.

"અને પટેલ, તમારે દરિયાનાં જીવ કયાં કયાં ખવાય?"

પટેલ શરમાઈ ગયા. "ભાઈસા'બ, તમ સરીખાં ઊંચ વરણની અદબ અમુંથી ન છોડાય."

"પણ એમાં અદબ છોડવાનું શું છે? એ તો તમારો કુદરતી આહાર છે. અમે ક્યાં તમારાં ઘરમાં દાણા પૂરી દઈએ છીએ કે એ આહાર લેવાની તમને ના પાડીએ?"

"ભાઈસા'બ, તમને સૂગ ચડે."

"સૂગ શા સારુ ચડે? ફક્ત નામ સાંભળવામાંય સૂગ?"

"તયેં જુવો ભાઈ, શેળવો ખવાય, શીંગાળું (જેને માથે કાંટો હોય તે) ખવાય, શેરૂં (જેના ગલોફાંમાં મૂછો હોય ), ઢાંગર મગર (જેને દાંત હોય), પળશો, ગોમલ્યો (વાંકા દાંત વાળો), વરડો (જેના પૂંછડાની લાંબી સોટી થાય), કળશ (એરુ જેવો), પાંભડી (ધોળી), કરચલો, પામેડી, લેપટા, સૂંઢિયું (વાંકું), જીંગો (વાંભ વાંભની મૂછો વાળો), કાગડી, કુંકરો (સૂપડા જેવો), કાળી મચ્છી (થાળી જેવી, પૂછડી વિનાની), એવાં એવાં ખવાય."