પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે ધમારવા તળાવે લઈ જાય તારે વછેરી ભર્યા તળાવ ઉપર છબ છબ છબ હાલે. છોકરો મનમાં ને મનમાં બોલે : વાહ માતાજી! પણ પછી તો વછેરી મોટી થઈ એટલે પરગંધીલી થઈ ગઈ. છોકરા વિના બીજા કોઈને પડખે ઢૂકવા ન આપે. એક દિવસ ભૂજના મહારાવનું માગું આવ્યું, ત્યારે ફાળ પડી. ચડ્યો વછેરી ઉપર. બાવાજીને કહે કે, 'બાપુ, જાઉં છું - પણ ભૂજ નહિ હો! પગ કચરીને મોટી મેં કરી છે ને શું સવારી કરશે ભૂજનો રાવ?' એમ કહેતોકને ગયો. કચ્છને કાંઠે જઈને નાખી વછેરીને દરિયાની ખાડીમાં. બાર ગાઉની ખાડી તરીને વછેરી કાઠિયાવાડને કાંઠે નીકળી ગઈ. સીસાંગ ગામનો ગરાસિયો હાલોજી ઘોડીઓ ફેરવે ત્યાં જઈને ચડાઉ કરાવી. પછી પોતે ને હાલોજી બેય લૂંટફાટ કરવા ભેળા જાય. વચ્ચે પાણીનાં નવાણ ઊતારવાનાં આવે ત્યારે પોતે સહુની નજર ચુકાવીને વછેરીને ઉતારી લ્યે. એમાં એક વાર બેય જણાએ કુંડલાની નેદીમાંથી ઘોણ્ય લૂંટી, ભાગ્યા. વચ્ચે શેત્રુંજી પડી છે, પાણી આવી ગયું છે, છોકરો કહે. હાલાજી, નાખો ઘોડી. હાલાજી કહે, તું નાખ પહેલી. હાલોજી ગોથાં ખાતો રહ્યો ને છોકરો વછેરીને વહેણ ઉપરથી કાઢી ગયો. હાલોજીની આંખો ફાટી રહી : વાય, ઘોડી વાય! છોકરો કહે કે, હાલોજી, આ લ્યો આ ઘોડી, કારણ કે એ સારુ તમે મને ક્યાંઈક કોઈક દી દગો કરીને મારશો.

"આમ વાત ચાલે છે એ તાજણની વછેરીની. દરિયાપીરના ઘોડાથી પાકી, એટલે એનું નામ પીરાણી તાજણ પડ્યું. એના વંશની ઘોડીઓને ઠાણમાં રોજ સાંજે દીવા ને લોબાન કરવામાં આવતા. આ લોકવાયકા ઉપરથી હું પૂછું છું કે એવા દરિયાઈ ઘોડા તમારા દીઠામાં આવેલ છે ક્યાંય?"

"જળઘોડલાની તો સરત નથી, પણ જળમાણસડાં દીઠાં છે મલબારને દરિયે. બે હાથ, બે પગ, હાથપગના પોંચા અને આંગળિયું, કાળો વાન, વાંદરા જેવું મોં, ડોકું વગેરે તમામ રીતે આકાર વાંદરાને જ મળતો. પાણીનાં જીવ. પણ કાંઠે નીકળીને નાળિયેરીનાં ઊંચા ઝાડ પર ચડી બરાબર વાંદરાની માફક જ બેસે. માણસનો સંચાર થતાં જ પાણીમાં પેસી જાય. અમારાં વહાણને પડખે હોડકાં તરતાં મૂકીએ તો તે પર પણ આવીને બેસે. પાછાં જળમાં ચાલ્યા જાય. બધી જ ચેષ્ટા માણસ જેવી કરે."

"આપણાં કાંઠાના દરિયામાં મોટા મગરમચ્છ ખરા કે?"

"ના ભાઈ, આંહીં નથી ભાળવામાં આવતા, મલબારકાંઠે બહુ છે. અમારાં નાનકડાં વહાણની પડખે આવીને અથડાય ત્યારે એવી તો ભે' લાગે કે કદીક જફા પહોંચાડશે. ભારી વિકરાળ, એ તો ભાઈ, બજરંગનો અવતાર છે ખરો ના? એટલે અમે તો એના માથે મીઠું તેલ ચડાવીએ, અડદના દાણા છાંટીએ ને હાથ જોડી કહીએ કે, હે હડમાનજી! ખમા કરો. અમારાં રખવાળાં કરો. આટલું કહેતાં જ મગરમચ્છ વહાણને છોડી ચાલ્યા જાય છે."