પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળેવને દિવસે, જુઓ આ ઠેકાણે કંઈક સ્થાપના કરાવીને બ્રાહ્મણો પાસે પૂજા ભણાવે." એમ કહીને વશરામભાઈએ મને 'રૂપારેલ'ની અંદર એક ઠેકાણે સિંદૂરનાં દોરેલાં ત્રિશૂળ વગેરે છાંટણાં દેખાડ્યાં.

"એ સવાઈ દુલા કોણ છે?"

"આ આપણી કંઠાળના દરિયાના એ દરિયાપીર છે. એની દરગા શિયાળબેટમાં છે, ત્યાં જઈ ને તમે વધારે વાતો જાણશો."

બીજે દિવસે પ્રભાતે જ્યારે 'આર' હતા, એટલે કે ભરતી ઊતરીને ઓટ ચાલુ થયો હતો, તે વેળા ખાડીમાંથી પાછાં મોટે દરિયે વળી જતાં અબોલ પાણીએ મારા મછવાને, કેમ જાણે એ કાગળનું બનાવેલ હોડકું હોય તેટલે હળવે હાથે શિયાળબેટ તરફ સરકાવ્યો.

"ઓલ્યો..કળાય તે ભેંસલો!" ખલાસીએ ચાંચ અને શિયાળબેટના વચગાળામાં પડેલા એક કાળા ભેંસા-આકારના ખડક તરફ આંગળી ચીંધીને કહ્યું. એના રંગ અને ઘાટ પરથી તેમજ પાણીમાં એ એકલ પડેલ છે તે પરથી કોઇ મહિષાસૂર પાડો કલ્પીને લોકોએ એ ખડકને 'ભેંસલો' એવું પૂરેપૂરું સૂચક નામ આપ્યું છે.

"કેટલીક જમીન છે એની?"

"બેક વીઘાં."

"કોઇ રહે છે? ખેડ કરે છે?"

"કોઇ માનવી રહેતું નથી. માથે અબુ પીરનું થાનક છે. એની માનતા કરવા માટે ખારવાઓ કોઇ કોઇ વાર જાય છે, ને ત્યાં પડેલાં ઠામડાંમાં લાપસી કે ચોખાની દેગ રાંધે છે, પણ રાત ત્યાં કોઇથી રે'વાતું નથી. ઉપાડીને ફેંકી દિયે છે. બાકી તો ત્યાં આખી જમીન ઉપર પંખીડાંનાં ઈંડાં પડ્યાં હોય છે. મૂળ એ ભાવનગર તાબે હતો. પણ જાફરાબાદના સીદી રાજાએ સરકારમાં લડીને ભેંસલાને પોતાના કબજાનો ઠરાવેલ છે."

પાણીમાં મસ્તાન પડેલા એ ભેંસલાભાઈની એકલતામાં ભંગ પાડવાની મને ઈચ્છા નહોતી, તેમ અબુ પીર કાંઈ દિવસવેળાએ મને ફગાવી દેવા નિમિત્તે પણ મુલાકાત દે તેમ નહોતા એટલે શિયાળબેટમાં જ રઝળવાનું વધારે ગમ્યું.

એક વેળાની માતબર નગરીનું આ ખંડેર, જ્યાં ખોદો ત્યાં પાકા પથ્થરની બાંધેલ મીઠા પાણીની અણીશુધ્ધ વાવો નીકળે છે. કહે છે કે એ નગરીને ઘેર ઘેર પોતાની અલાયદી વાવ હતી. વાત સાચી જ લાગે છે. ચોગરદમ ખારા સમુદ્રથી વીંટળાયેલ છતાં આ ટાપુની વાવડીએ વાવડીએ અમૃત-મીઠું નીર છે. આખાય ટાપુને ફરતા પાકા ગઢની છિન્નભિન્ન રાંગ અત્યારે પણ દેખાય છે. ગંગાતળાવ નામની વાવડી પણ પ્રાચીનોએ પાઈ બાંધેલી. અને 'થાનવાવ' નામની વાવનું સત આજ પણ એવું ને એવું અનામત મનાય છે : જેનાં થાનમાં(સ્તનમાં) ધાવણ ન આવતું હોય તેવી માતાને આ વાવમાં બોળેલ કાપડું નિચોવીને ભીનું ને ભીનું પહેરાવવામાં આવે એટલે થાનેલાં દૂધે ભરાય! ગોરખમઢી નામનું અસલી થાનક મૂળ ગુરુ ગોરખનાથનો આશ્રમ મનાય છે. એના ઉપર જીર્ણોદ્ધાર