પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયો છે. ત્યાં રહેતા એક કપડવંજવાસી સાધુએ અંધારા ભંડકિયામાં વિરાજતી પ્રાચીન મૂર્તિઓનાં અમને દર્શન કરાવ્યા : ગોરખનાથની મૂર્તિ : ગણપતિની : હનુમાનની : અને આપણા જૈનોના નેમનાથ-પાર્શ્વનાથની બે તાજેતરમાં નીકળેલી પ્રતિમાઓ. એક આપણી કમ્મર સુધીના પરિમાણની મોટી શ્યામ પ્રતિમા લઇને ગંગાતળાવડીની સામે કોઇ બાવો બેસી ગયો છે. થોડા જ વખત પર હળ ખેડતાં ખેતરમાંથી ખોદાઇ આવેલ આ પ્રતિમાના મસ્તક પર લાંબો ઊંચો મુગટ છે. કમર સુધી નારીસ્વરૂપ છે, કમરથી નીચે પુરુષ-આકાર છે. મૂર્તિઓ પારખવાનો મારો વિષય નથી. પણ કોઇ શિલ્પસ્થાપત્યના અભ્યાસીએ જઇને આ બધી પ્રતિમાઓનાં સ્થળ-કાળ ઉકેલવા જેવાં છે.

સગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણીની, એના પુત્ર ચેલૈયાની ને પેલા અધોરી બાવાની ભયાનક બિના પણ આ શિયાળબેટમાં જ બની હોવાનું કહેવાય છે. ગંગાતળાવની પાળે પડેલ એક પથ્થરની અસલી કૂંડી એ જ પેલો ગોઝારો ખાંડણિયો, કે જેની અંદર જોગીને જમાડવા સારુ માતાએ ચેલૈયાનું મસ્તક ખાંડ્યું કહેવાય છે. એ આખી કથા એટલી ઘાતકી ધાર્મિકતાથી ભરેલી છે કે મને એ યાદ કરવાનું જ મન નથી. હું ધન્યવાદ એ બાવાને નથી આપતો કે જેણે સગાળશાના વ્રતનો ગેરલાભ લઇને છેક શેઠાણીનો ગર્ભ ચિરાવવાની હદ સુધી જીદ રાખી; નથી હું સ્તુતિ કરતો એ શેઠશેઠાણીની કે જેઓની શ્રદ્ધાએ જોગી કહેતો ગયો તે તમામ ઘાતકી ક્રિયાઓ આચરી; હું તો અભિનંદું છું એ અનામી લોકકવિને કે જેણે દિલેદિલને ભેદે તેવું એક લોકગીત આ કથા પરથી રચી કાઢ્યું. એ 'ચેલૈયા-આખ્યાન'ની રચનામાં ઊણપ હોય તો આટલી છેઃ કે ચંગાવતી શેઠાણીએ જોગીરાજને પોતે વાંઝણી નથી એવી ખાતરી કરાવવા માટે સ્વહસ્તે છરો લઇને ગર્ભાશય ચીરી દેખાડ્યું. તે જ ઠેકાણે ભજન અટકી જવું જોઇતું હતું. જોગીરાજે પ્રભુરૂપે પ્રગટ થઇ સહુને સજીવન કર્યાં એ પ્રસંગ ઉમેરાયો ન હોત તો 'ચેલૈયા-આખ્યાન' જગતનાં સર્વોત્કૃષ્ટ 'બૅલેડ' માંયલું એક કથાગીત બની જાત. એની કરુણતા અનેક હૈયાંને નિરંતર ધોયા જ કરત. અત્યારે પણ એ ચેલૈયાની ઘટનાનું સ્મરણ વીસ-પચીસ વર્ષોના કાળને પાછો હટાવી દ્યે છે : ગામડિયા ઘરના ઉંબરમાં જાણે અમે નાનાં બાળકો અને પાડોશણ માતાઓ વગેરે બેઠાં છીએ. ચોગાનમાં કોઈ રઝળતો ભજનિક એકતારો લઇ ધીરે રાગે 'ચેલૈયા-આખ્યાન' ગાય છે : એમાં નિશાળે ગયેલો સાત વર્ષનો ચેલૈયો પોતાને ઘેર માતપિતા ઉપર મૂંઝવણ પડી છે એવી જાણ થતાં જ દફ્તર-પાટી લઇ, ઘેર દોડતો આવી, રમતો-હસતો માના ખોળામાં સૂઇ જાય છે : બાપ એનું માથું વધેરે છે, ને એ મસ્તકને ખાંડણીએ નાખી -

ખમા ખમા મારા ચેલૈયા!
          તુને ખમા ઘણી રે મારા ચેલૈયા!

- એ હાલરડું ગાતી મા સાંબેલાં મારે છે : એ પ્રસંગની હાલરડાની પંક્તિઓ સાંભળતાં અમે સહુ રડીએ છીએ. આજ પણ પાછળથી પ્રભુએ ચેલૈયાને સજીવન કર્યાની ઘટના મને જરીકે સ્પર્શતી નથી. એ આખું કથાગીત ચેલૈયાની નિર્દોષ હત્યા અને માતાના નિર્દોષ