પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંબેલાના ઘાવને તાલે તાલે ગવાયેલ 'ખમા! ખમા! મારા ચેલૈયા! તુંને ઘણી ખમા!'ના આ હાલરડાથી મારી બાલસ્મૃતિને તરબોળ કરી રહ્યું છેઃ

[હાલરડું]

એ જી મારા પીંગલાના પોઢનાર રે બાળા!
          ચેલૈયા ખમા! ખમા!

એ જી મારા ચાખડીના ચડનાર રે બાળા!
          ચેલૈયા ખમા! ખમા!

એ જી તારે પીંગલે પડી હડતાલ રે બાળા!
          ચેલૈયા ખમા! ખમા!

ભાઇ મરે ભવ સાંભરે, બે'ન મૂવે દૃશ્ય જાય,
પણ નાનપણેથી જેનાં માવતર મૂવાં
          - તેને ચૌદશના વા વાય રે બાળા! - ચેલૈયા!૦

ભાઇ ચેલૈયા! ખરે જ જો આ શિયાળબેટ તારી માભૂમિ હોય, સાચે જ જો આ ખાંડણિયો તારા લોહીથી ખરડાયેલ અબોલ સાક્ષી હોય, તો હું તને કહું છું કે સોરઠના લાખો નાનકડ ચેલૈયા તારું ગીત સાંભળી સાંભળી તારી જોડે જ કપાયા ને ખંડાયા છે. તારાં ફૂલની એકાદ કણી પણ જો આ મિટ્ટીમાં ક્યાંઈક પડી હોય તો આ શબ્દો એને કાને પુકારું છું કે બાવાઓ , સાધુઓ, ધર્મ-ગુરુઓ -તમામનો હજુ તો એનો એ અઘોર પંથ ચાલ્યો આવે છે, માબાપોની અંધશ્રદ્ધા હજુય ઘેર ઘેર પોતપોતાના કિશોર કુમળા ચેલૈયાઓનો - શરીરનો નહિ પણ આત્માનો - વધ કરી રહેલ છે, ને સામે બેઠેલું એ માનવભક્ષી ધર્મપાખંડ, આહુતિ પછી આહુતિઓ પામતું, 'હજુ લાવો! હજુ લાવો!'ની હાક પાડી રહેલ છે. એટલે જ, ભાઇ ચેલૈયા, અમે તારી વયનાં હતાં ત્યારથી શ્રદ્ધાહીન બની રહ્યા છીએ, ને અમારી ઓલાદને કાને અમે ધર્મ કે સાધુ પરની શ્રદ્ધાનો એક છાંટોય નથી પડવા દેતા. મને તો એમ ભાસે છે, બંધુ ચેલૈયા, કે નક્કી કોઇ અઘોરી જોગીએ તારી અને તારાં ભોળાં માબાપની આવી દશા કરી હશે, પણ આપણા આર્યસંસ્કારો મુજબ આપણે કોઇ વાતનો કરુણ અંત સહી શકતા નથી એટલે બાપડા લોકકવિએ પણ, અત્યારના અનેક નાટકકારોની પેઠે, અંતમાં એ અઘોરીમાંથી પ્રભુએ પ્રગટ થઇ તમને સહુને સજીવન કર્યાં એવો સુખદ અંત ઠોકી બેસારેલો હોવો જોઇએ.

'સુખી અંત' લાવવાની ઘેલછાએ આપણા ઈતિહાસની અનેક ભેદક કથાઓના જોરને હણી નાખ્યું છે. મહાભારત અને રામાયણ બે જ એ ઘેલછામાંથી બચી છૂટ્યાં છે : કુરુક્ષેત્રના સંહાર ઉપર અમીનો કુંપો છાંટવા માટે કોઇ દેવદવલું ઊતરતું નથી અને એ શોણિતભીનો વિજય ન સહેવાયાથી પાંડવો હિમાળે ગળવા જાય છે. યુધિષ્ઠિરના ખોળામાં રમતો છેલ્લો પ્રિય બાંધવ શ્વાન એ આખા મહાકાવ્યનો કરૂણ નિચોડ છે.