પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામાયણના તમામ દિગ્વિજયને સૂનકાર કરી મૂકનાર એનું છેલ્લું દૃશ્ય છે : પૃથ્વીમાં સમાઇ જતી જાનકી. અને એને ઝાલવા દોડેલ રામચંદ્રના હાથમાં પકડાયેલો સીતાનો ચોટલો જ રામકથાનું સમાપ્તિબિંદુ છે, લવકુશનો સુખી રાજવહીવટ નહિ.

હરિશ્ચંદ્રની કથાનો અંત પણ મધરાતે મસાણમાં સગા ધણીને હાથે તારામતીના છેદન વડે જ આવ્યો હોત તો કેવી સ્વાભાવિકતા સચવાત! નળનું બાહુક-રૂપ સદાને માટે અણબદલ્યું રહ્યું હોત તો કેવી કરૂણતા ટપક્યા કરત!

અનેક માનવ-ધર્મોની ભુલભુલામણીમાં અટવાયેલાં નરનારીઓનાં જીવનસંગ્રામની આ બધી કથાઓ છે. જિંદગીની નિગૂઢતા ઉપર એ વિચારો જગાડે છે, મંથનો જન્માવે છે, વેદનામાં તપાવીને કરુણરસ સીંચે છે, પ્રજાના કવિઓએ કે કથાકારોએ ભળાવેલું એ સાહિત્યધન છે. શા સારુ એવી પ્રજા-પ્રાણને વલોવવા સર્જાયેલી કથાઓ ઉપર ઈશ્વરી ચમત્કાર અથવા સુખદ અંતનાં બનાવટી થીગડાં મારવાં પડ્યાં? ફક્ત લોકોને બે ઘડી રાજી કરવા સારુ? ઈશ્વરને કોઇ મનસ્વી અને આપખુદ સર્વસત્તાધીશ તરીકે રજૂ કરવા ખાતર? પાખંડ ઉપર ધર્મનાં પરિધાન ઓઢાડવા ખાતર? દુઃખનું આધિપત્ય, ઊર્મિઓની અથડામણો, કર્તવ્યોની ભ્રમણાઓ અને એ તમામમાંથી નીપજતી આ સંસાર પરની હાહાકારભરી વિચારણા, એ જ શું ઈશ્વરી રચનાનો સાચો સાર નથી?

શા માટે આપણે હરિશ્ચંદ્ર-તારામતી જેવાં પાત્રોને રાગદ્વેષભર્યા ઋષિઓનાં રમકડાં જ નથી રહેવા દેતા? શા માટે પાંચાલીનાં ચીર-હરણની પૂરેપૂરી નામોશી એ ડાહ્યા જુગારી પતિઓને કપાળે ચોડાવા ન દેતાં ભગવાનને હીર-ચીરની ગાંસડી લઇ હાજર કરીએ છીએ? શા માટે ચેલૈયાનું માથું ખંડાવનાર અઘોરી પાખંડીને પ્રભુસ્વરૂપની ઓથ આપવી પડી?

ના, ના, એ કથાઓ જેવી સીધી ને મર્મવેધક છે તેવી જ છો રહી. એમાંથી જ આપણા અંતરાત્માઓનાં મંથનો જાગે છે. એ બધી નિગૂઢતાને માનવી યુગયુગો સુધી વિચાર્યા જ કરે, સારાસાર ખેંચ્યા જ કરે, જીવનનું સ્વતંત્ર ઘડતર કર્યા જ કરે. એ સ્થિતિ ઠીક છે. વાતવાતમાં 'ગરુડે ચડીને શામળિયોજી ચડી આવ્યા'ની ચાવી બહુ બેહૂદી લાગે છે.

ત્યારે, ઓ ભાઈ ચેલૈયા! આ ગંગાતળાવડીની પાળે જ શું અઘોરી બેઠો હતો? ને આંહીંથી શું તારી માતા એના રક્તપિત્તિયા દેહને મસ્તકે ધરીને ગાજતેવાગતે ગામમાં લઇ ગઇ હતી?

અત્યારે પણ, ભાઇ ચેલૈયા, ગામોગામની હજારો માતાઓ, ભીતરથી એવા જ અઘોરી, પણ બહારથી સફેદ દેખાતા સાધુમુનિઓનાં સામૈયાં કરવા જાય છે, ને પોતાનાં બલોયાંની ચીપો સુધ્ધાં વેચી વેચી એ ગુરુઓના કોડ પૂરા કરે છે.