પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

3
કૂકડુ...કૂ

"આ સામે દેખાય તે સીદીકોઠો, ભાઈ, જ્યાં બેટના રાજાએ અસલમાં સાડા સાતસો રાજાઓને કેદ પકડીને રોજ સવારે 'કૂકડૂ કૂ...' બોલાવ્યું'તું." ઘૂઘા પગી બોલ્યા.

શાબાશ, દોસ્ત બેટના રાજા! તારી કથા મેં સાંભળી છે. કોઈ તને વીરમદેવ પરમાર કહે છે, કોઈ અનંત ચાવડો કહે છે. મારા અનુમાન મુજબ તું અનંત ચાવડો જ હોવો જોઈએ. ગુજરાત જેના નામનો ગર્વ કરે છે તે વનરાજ ચાવડાના વંશજોએ છેક ઓખામંડળથી માંડી, પ્રભાસ અને તે પછીના ઘણાખરા સોરઠી સમુદ્રતટ ઉપર પોતાની આણ ફરકાવી હતી. અને 'ચાવડા' શબ્દનો અસલ શબ્દ 'ચૌરા' અર્થાત્ 'ચોર' નીકળે છે તે અનુસાર ઠેર ઠેર સોરઠી કિનારા પર ચાંચિયાગીરી વર્તાવી હતી. તેઓ ફક્ત ચાંચિયાગીરી જ નહોતા કરતા : જ્યાં જ્યાં કિનારો હાથ કરીને રહ્યા ત્યાં ત્યાં તેઓએ મજબૂત કિલ્લેબંદી કરી કાઢી હતી. સોમનાથ સરીખાં દેવાલયો બાંધ્યાં હતાં, ને ગજની જેવા વિદેશીઓને કિનારે ઉતારવા આવતા રૂંધ્યા હતાં. પોરબંદર અને દ્વારકા વચ્ચેનું અત્યારનું મિયાંણી ગામ એટલે અસલ પ્રભાત ચાવડાના માતબર બંદર મિયાંણીસર પટ્ટણનું જીવતું ખંડેર : જ્યાં આજ પણ ઊંચા ઊંચા શિવબાણવાળાં પ્રાચીન મંદિરો ઊંભા છે. તેની સામે જ ખાડીને કાંઠે કોયલો ડુંગર કે જ્યાં દેવી હર્ષદીનું થાનક છે : એમ સોમનાથ પાસે કનકસેન ચાવડાની કનકાવતીનાં ખંડેર છે. એ જ મિસાલનું હું તો આ શિયાળબેટના અસલ નગરને માનું છું. કેમકે એ જ જાતના અવશેષો આંહીં પડેલા છે. તું દોસ્ત અનંત ચાવડો જ હઇશ. તારાં જહાજો આ સમુદ્રની ચોકી કરતાં હશે, ને ચાંચ, પટવા, ત્રવડા, વગેરે કંઠાળી ગામોના કોળી જાતિના પોતાના ચોર-સૈન્યને દરિયામાં પસારી તું લૂંટોય ચલાવતો હોઈશ. તારો કાળ મને નવમા સૈકાનો લાગે છે. તારી સર્વોપરી મોજ, બસ, સોરઠી રાજપતિઓને પ્રથમ મિજબાની જમવા સારુ તારાં વહાણોમાં નોતરીને પછી વહાણને આ 'બેટ' ઉપર વહેતું મૂકવાની હતી! પક્ષીઓમાં પણ તારા જેવી જ પ્રકૃતિનું એક મોજીલું પક્ષી છે. એનું નામ કાળો કોશિયો. હોય છે તો એક મોટી ચકલી જેવડો, પણ એની સર્વોપરી ધૂન બસ એ જ છે, કે મરતાં પહેલાં એક વાર એકે‌એક જાતનાં પંખીનું અક્કેક પીંછડું તો ખેંચવું, અને એ તમામ પીછાં વડે પોતાનો માળો શણગારવો! આવો મસ્તાન કાળો કોશિયો જ્યારે પોતાની ખંડણીની વસૂલાત સારુ જબ્બર સમળીની પાછળ દોટ દેતો