પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય છે, ને સમળી એનાથી ત્રાસ પામીને નાસતી હોય છે, ત્યારે દૃશ્ય જોવા જેવું બને છે. તારું પણ એવું જ હતું, દોસ્ત, અનંત ચાવડા!

ને પછી? આ સીદીકોઠો નામે ઓળખાતા ખડક ઉપર શું તું એ તમામ મૂછાળાઓને કઠ-પાંજરામાં પૂરી પ્રભાતે પ્રભાતે 'કૂકડૂ...કૂ!' બોલાવતો! દરેક રાજા શું એટલો બધો નમાલો, કે મોતની બીકે માથું નમાવીને કૂકડાની માફક તારી સન્મુખ 'કૂકડૂ...કૂ' કરતો! એ બધા - લોકવાયકા મુજબ સાડા સાતસો, અથવા તો પછી ભલેને કેપ્ટન બેલ નોંધે છે તે રીતે માત્ર છત્રીસ, પણ એ બધા જ - શું આ પાંજરાના કેદી-જીવનને એટલું બધું મીઠું ગણતા કે રોજ પ્રભાતનું આટલું અપમાન પી જઇને પણ દેહ રાખવાનું પસંદ કરતાં? એ શું આટલી પ્રાચીન પરંપરા છે? નવીન કશું જ નહિ કે?

અને સહુથી પામર નીકળ્યો વામનસ્થલીનો રા' ક્વાટ : ગરવાનો ધણી મહીપાલદેવ : નવઘન સરખા વીરનો દાદો : જેના બાપ ગ્રહરિપુએ ઉપરકોટ જેવો કિલ્લો ઊભો કર્યો. એ બાપડો રા' ક્વાટ પ્રભાસને દરિયે આ ચૌરરાજ અનંત ચાવડાનું આતિથ્ય ચાખવા ગયો ને સપડાઈ જ‌ઈ પેલા સાડા સાતસો ભેળો 'કૂકડૂ...કૂ' પોકારતો થયો. અને એ 'કૂકડૂ...કૂ!' કંઈ જેવુંતેવું? એ તો રીતસરનો મુજરો કરવાનું 'કૂકડૂ...કૂ!'

કર મજરો ક્વાટ! (તુંને) આખે રાજા અનંત,
(તો તો) પાછો મેલું પાટ, (તુંને) પરણાવી ગરનારપત !

- એ આ કથાનો દુહો છે; રાજા અનંત ચાવડો રોજ પ્રભાતે રા' કવાટ કહેતો કે, 'જો તું મારી સામે ગરદન ઝૂકાવી, કૂકડાની પેઠે પ્રભાતની નેકી પોકારી મને સલામ ભરીશ, તો હું તને કોઈક દિવસ પરણાવીને પછી પાછો રાજગાદી પર બેસારીશ, બચ્ચાજી!' બાકી એ કવાટનાં - એ મહીપાલદેવ યદુવંશીની વીરતાનાં - તો શાં શાં વખાણ કરીએ? પાંજરે જીભ કરડીને મરી ન જ‌ઈ શક્યો એટલે, તળાજાના રાજા ઊગા વાળાને એણે છાનો સંદેશો પહોંચાડ્યો કે -

તું કહેતો તે પાડ્ય, તાળી જે તળાજાધણી!
વાળા હવે વગાડ્ય, એકે હાથે ઊગલા!

'હે ભાણેજ ઊગા વાળા! (અથવા કોઈ કહે છે કે કવાટ ભાણેજ ને ઊગો મામો) મેં તારી સાથે બહુ વેર બાંધ્યું છે. તે કહ્યું હતું કે સાચી વીરતા હોય તો એક હાથનીય તાળી પડી શકે. મેં આજ સુધી તારા શૌર્યનો તેજદ્વેષ કરેલ છે. પણ હવે તું આવ, ને બતાવ કે એક હાથે તાળી કેમ પડે છે!'

ઊગો બિચારો મામાની અવદશાની દયા આણીને શિયાળબેટ પર પડ્યો. એની કનેય તળાજા, સરતાનપર, ઝાંઝમેર વગેરે સમુદ્રતીરની ખારવા-ફોજ હોવી જ જોઈએ. નહિ તો અનંત ચાવડા જેવા સમર્થ સાગરરાજના નૌકાસૈન્યને શિક્સ્ત આપી. બેટ ફરતો ઊભેલો એ બલિષ્ટ દુર્ગ ભેદી એ અંદર કેમ જ‌ઈ શકે?

પણ હું તો આપણા 'કૂકડૂ...કૂ' કવાટ ભાઈની વીરતા બતાવવા માંગુ છું. અનંત