પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

4
દરિયાનાં દેવદેવીઓ

એ તો હવે ગયા : એ 'કૂકડૂ... કૂ' કરાવનારા અને કરનારા, તમામ ગયા. રહ્યાં છે ફક્ત પાંચસો-સાતસો ઉદ્યમવંત કોળી કુટુંબો. આ ખારવાઓ 'બેટ'ને આરે બેઠાબેઠા જૂનાં વહાણો સમારે છે, નવાં બનાવે છે, કરાંચી-મુંબઈ ને કાલકોટની સફરે ચડે છે, વહાણ ચડવા અશક્ત હોય તે કુટુંબી જાફરાબાદ જઈ મચ્છી મારી ગુજારો કરે છે, બેક ગાઉની બેટ-ધરતીમાં અક્કેક-બબ્બે વીઘાંનું વાવેતર પણ અક્કેક કુટુંબને વાલ-રીંગણાં-મૂળા વગેરેની થોડી થોડી પેદાશ આપી રહે છે, જૂની વાવો એને પીવાનું જળ પૂરું પાડે છે. દરિયાનું નીર એને માછલાં આપવા ઉપરાંત, એના ખાટલાઓના માકડને પણ પોતાનાં જળચરોને મોંએથી વિણાવી દે છે. અરધા માઈલનો સમુદ્ર ઓળંગીને એની ખારવણો સામે ધરતી-કાંઠે બળતણનાં લાકડાં શોધવા જાય છે. (બેટ શિયાળમાં બળતણનો ખરો ત્રાસ છે; ઝાડી કે વન જરીકે ન મળે.)

એ વિજોગણ ખારવણોનું નજીકમાં નજીક હટાણું દરિયારસ્તે પાંચ ગાઉ આઘેરા બંદર જાફરાબાદની હાટડીઓમાં : એની બીમારીની દવા કરનાર દુલા સવાઈ પીરનું નામ અને કોઇક રડ્યોખડ્યો હજામ : એનાં બાળકોની નિશાળ ફક્ત દરિયાની છાતી ઉપર : એનો ખરો ઉત્સવ એક હોળી.

"અરે ભાઈ, તમે હોળી ટાણે આંઈ આવજો એટલે અમારાં લોકની ખરી મસ્તી જોઇ શકશો. આજ તો અમારા તમામ નાનામોટા જણ વહાણે ચડી ગયા છે, પણ હોળી માથે એ એકોએક આવી પોગવાનો. એક પણ જણ બા'ર નહિ રે'વાનો. પંદર દી અમે સૌ માણસું : દારૂડો પીશું, ગાંડાતૂર બનશું, ગાશું, ડાંડિયા લેશું, અમારી વાતું ને અમારાં ગીતો તે દીમાં નીકળશે. આજ તો બેટ ખાલી પડ્યું છે. અમારા ખરા જણ ક્યાં છે?"

"દારૂ બહુ પીઓ છો?"

"હા, તે ટાણે પીવાના. અરે, બાપડે ગોરખમઢીને બાવેજીએ લાગ્ય મહેનત કરી'તી ગામને દારૂ છોડાવવાની! કેટલાંક દી તો ટક્યું, પછી અમારા જણ ન રહી શક્યા; ને બાવોજી ગામ માથે કોચવાઈને આંઇનું પાણી હરામ કરી ચાલ્યા ગયા છે"

આ દારૂની વાત ઉપર તો હું ચાલ્યો આવું છું. બાપડા ગોરખમઢીના બાવાજી નાહક ઊંડા પાણીમાં ઊ઼તર્યા. ખરું ડહાપણ તો દીઠું દુલા સવાઈ પીરમાં અને એના મુંજાવરમાં.