પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

5
‘મોતી બૂડ્યું મોરણે’


"બસ? વિવાહ પછી માસ પંદર દિવસમાં જ પાછા મુસાફરીએ ચડશે તમારા પરણેલા જુવાનો?"

“ચડે નહિ તો ખાય શું? મહિના-બે મહિનાની અક્કેક ખેપ કરે ત્યારે માંડ ૮-૧૦ રૂપિયા મળે એને વેપારી કનેથી.”

અપ્ટન સિંકલેરનું 'ધ જંગલ' યાદ આવ્યું. શિકાગો શહેરના એ વિરાટ કત્લખાનાનો મજૂર યુગીન્સ અને એની પરણેતર પોતાના લગ્નદિવસે પણ દિવસભર કારખાને મજૂરી ખેંચી આવીને રાતે પરણે છે, આખી રાત એનાં સગાંવહાલાં અને ઓળખીતાંના સમુદાય જોડે એક હોટલમાં નાચગાન ને ખાણીપીણીમાં ગુજારે છે, પરોઢિયે થાક્યાંપાક્યાં શિર ઉપર એ એક રાતનું ખર્ચ ભરપાઈ કરવાની ફિકરની ગાંસડી લઈ, પોતાના કાતરિયાનું તાળું ઉઘાડે છે અને તુરત જ કારખાનાની વ્હીસલ વાગે છે. નવદંપતી મજૂરીએ ચાલ્યાં જાય છે. આ તેઓની લગ્નરાત્રિ!

ખારવાઓનાં પણ લગ્ભગ એ જ જાતનાં લગ્ન : દરિયાઈ મૃત્યુના કફન નીચે પોઢતું દંપતી જીવન.

“તમારે વિવાહનો સંબંધ કેટલે દૂર થાય?”

“આ બેટ, ચાંચ, પટવા ને ત્રવડા : ફક્ત આ ચાર ગામની જ અંદર, એથી બહાર નહિ.”

બરાબર છે. મૃત્યુની સોડ્યમાં પોતાની પુત્રીઓને સુવાડવા આ ચાર ખારવાઈ ગામો સિવાયનાં બીજાં કોણ લોકો આવે? વહાણે ચડ્યો ખલાસી પાછો તો ઘેર પહોંચે ત્યારે ખરો. પ્રત્યેક વિદાય છેલ્લી જ સમજવાની. પ્રત્યેક મિલન એક નવો અવતાર. એ ચિરવિયોગીઓની ઝંખનાનાં ગીતો તો હું કતપરના વર્ણન ટાણે જ આપીશ. નાવિકોની સ્ત્રીઓની નીતિ ઉપર આપણે 'ધરતીના પરમ પવિત્ર મનુષ્યો' કેવા કટાક્ષો કરીએ છીએ તે પણ હું ત્યારે જ છણીશ.

અત્યારે તો નાવિક જીવનની આ કરુણતામાંથી ટપકેલ એક આંસુ સમાન ઘટના મારી સામે તરવરે છે. શિયાળબેટની ધર્મશાળાના ઢોરા ઉપરથી બરોબર સન્મુખના બિન્દુ ઉપર, સમુદ્રના સામા પારની એક ઊંચી ટેકરી ઉપર ચાંચુડા મહાદેવની દેરી છે. બેટ