પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને ચાંચુડા વચ્ચે બે જણાં ડૂબ્યાં છે : એક તો બેટની ખલાસી નાર મોરણી, ને બીજો ચાંચૂડાનો પૂજારી બાવો ભભૂતગર :

ચાંચુડે ચઢવા જાય; (મારું) પાંજર પોત્યું કરે, (ત્યાં તો) બેટના બારામાંય, મોતી બૂડ્યું મોરણી.

'મોરણી! રાત્રિના અંધકારમાં તું બેટથી ઊતરીને બે તૂંબડાં બાંધેલ વાંસ ઉપર તરતી તરતી આવતી હોઈશ એમ સમજીને મારું દેહ-પીંજર આ ચાંચુડાની ભેખડે તને નિશાની કરવા ચડે છે. એ નિશાનીને આધારે રોજ રાતની કાળી મેઘલી ઘટામાં, ખાડીના ચાહે તેવા તોફાનને વીંઝી તું આંહીં આવી પહોંચતી, પરંતુ આજ તો મારે નિશાનીનો દીવો ધરી રાખીને વાટ જોયા જ કરવી પડી. કેમ કે મારું મોતી મોરણી તો બેટના બારામાં જ ડૂબી મરી.'

મોતની અચોક્કસ લાંબી સફરો ખેડતાં કોઈ ગરીબ નાવિકની પરણેતર ઓ મોરણી! તું શું તારા નિત્યના વિજોગથી કંટાળી ગઈ હતી? સામે કાંઠે બળતણનાં કરગઠિયાં વીણવા જતાં શું તને ચાંચુડાના પૂજારીની પ્રીત ડંખી હતી? મોડી રાતે વાંસડાને બે છેડે બે તૂંબડાં બાંધીને તેને આધારે આટલો લાંબો ને ઊંડો સાગરપટ ચુપચાપ તરી જવાનું કૌવત તને કોણ આપી રહ્યું હતું? તારા પ્રત્યેક રાત્રિના પ્યારને શું તું સામા છાબડામાં તારો પ્રાણ મૂકીને આ કઠોર વિશ્વની બજારમાંથી ખરીદતી હતી? અમે પાખંડી લગ્નનીતિના પલેપલ ભ્રષ્ટ બનનાર ઉપાસકો, અમે કેવળ અનુકૂળતાને અભાવે ઊગરી રહેનાર, લોકાપવાદના ભીરુ શિયળવંતો, અમે દ્રવ્ય, વિદ્વત્તા અને બાપદાદાની આબરૂના જોરે સુંદર સ્ત્રી-શરીરો ખરીદનાર વિલાસીઓ, તને પ્રતિરાતનાં સાગરજળ પાર કરનારીને એક નીતિભ્રષ્ટ ખારવણ કહીએ છીએ. ઓ મોરણી! તારી એ ભ્રષ્ટતાની પછવાડેય કેવું ભીષણ વ્રત ઊભું હતું!

પણ તારાં છુપાવેલાં વાંસ-તૂંબડાં એક દિવસ ઉઘાડાં પડી ગયાં. તારી સાસુએ દગો કર્યો. છાનામાનાં એ તૂંબડાં ખસેડી લઈ, તેની જગ્યાએ માટીના બે કાચા મોરિયા બાંધી દીધા. એ અધરાતને અંધારે દરિયાના મરણપછાડ વચ્ચે તારા પ્યારના વલવલાટે તારા કલેવરને ઝીંકી દીધું. માટીના મોરિયા તારે એક જ શેલારે ઓગળી ગયા. તું ખારવાની દીકરી છતાં શું તરવાનું શીખી નહોતી? તારું શરીર તળિયે જઈ બેઠું અને તારો સામા કિનારાનો પિયુ પણ તારો નાશ થયો સમજી લઈ, ચાંચુડાની ધારેથી દરિયામાં ખાબક્યો. ને પોતે પુરુષ હોઈ રખે કદાચ પડ્યા પછી જીવતરની લાલચ જાગી જાય તે બીકે હાથપગ દોરીથી જકડી લઈને જ પડ્યો. તમારી જળસમાધ ઉપર કોઈ દેરી ચણાઈ નથી, માત્ર કોઈક લોકકવિની કવિતાએ ચાર-છ દુહાની ખાંભી ચણી. તેમાંથી એકાદ આવો દુહો હાથ લાગે છે કે -

ચાંચુડે ચડવા જાય, (મારું) પાંજર પોત્યું કરે;
(ત્યાં તો) બેટના બારા માંય, મોતી બૂડ્યું મોરણી.