પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દઈને જ ચડ્યો છું. (વસ્તુતઃ 'સુલતાની ચા'નું રસપાન કરવાની શક્તિ હજુ મેં કેળવી નહોતી.) માટે સામતભાઈ, કાંક તમારી દરિયાની વાતું થાવા દ્યો.”

“દરિયાની વાતું?” સુકાન થોભીને ઊંચે બેઠેલ સામતના શ્યામ ચહેરા ઉપર પીળી દંતાવળીની ભાત ઊઠી. એની તીણી છતાં ફિક્કી દેખાતી આંખો એના જર્જરિત ઊંડાં હાડકાંના માળખામાંથી ઊંચી આવી : "દરિયાની વાતું તે શી હોય, શેઠ? સત તો હવે એક ઇંણામાં - ઇ રતનાગરમાં જ રિયું છે, ઇણો ટેમ ઇ કેદીય ચૂકતો નથી. દિયાળે કે રાતે, ઇણી વીળ્ય ને ઇણાં આર એકસરખાં ચાલે છે. ઇ અમારી વહાણવટીઓની સાચી ઘડિયાળ છે. આજ તો સત બીજા કિનામાં રિયું છે, ભાઈ ?”