પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

6
એક-બે ભજનો

“સામતભાઈ, મોટા દરિયા ખેડ્યા છે?”

“હા ભાઈ, સાત-આઠ વરસનો હતો તે દા'ડેથી મારા મામાના વા'ણે રોટલા ઘડવા ચડ્યો, ને તે પછી આજ દી લગે ટંડેલાઈ જ કરી છે : આંહીંના વાણુંમાં ને કચ્છનાં વાણુંમાં. મામો મૂવો તર્યે એના છોકરા નાના : ઈનું વા'ણ ઘણાં વરસ ખેડ્યું. છોકરા જવાન થિયા એટલે મેં કહ્યું કે 'બાપા, તમારો ઘોડો હવે તમે હાંકી ખાવ.' પણ બાપડા જુવાન ખરાં ને! એક વારની ખેપમાં મલબારથી આવતા'થા, તી રાતને ટાણે સંધાય સૂઈ ગિયા. સોખવાણે (સુકાને) બેઠેલ ભાણેજ પણ ઝોલે ગયો. મનમાં એમ કે વા'ણ સમે માર્ગે હાલ્યું જાય છે. જાગીને નજર કરે ત્યાં વા'ણ તો કાદામાં પછડાટા ખાય છે! છોકરા બાપડા કૂદીને કૂદીને નીસરી ગયા. ને વા'ણના ભુક્કા થઈ ગ્યા ઈ કાદાને માથે. એવું વા'ણ આખા બેટમાં કોઇને નો'તું."

“સામતભાઈ, દરિયામાં તોફાન નડ્યાં છે કદી?”

“અરે ભાઈ! તોફાનની શી વાત કરવી? રતનાગર દયાળુ છે તે બચાવે છે. બાકી અમારે ને મોતને કયાં છેટું છે?”

“તોફાન વખતે શું કરો?”

"જઈ તોફાન આવાવાનું હોય તંઈ અમારી કને 'માલમનો હોકો' (હોકાયંત્ર) હોય છે ના. ઈની વચેનો ગોળો નેનઅકલાક રેખો (સફેદ) બણી જાય.પછી અમે વા'ણ બચતાં માલને વામી (નાખી) દયીં, ને માણસ બચતાં વા'ણને જાવા દયીં. વા'ણનો કવો (કૂવાથંભ નામનો મધ્યસ્થંભ) પણ કવાડીએ ત્રોડીને નાખી દેવો પડે. જેમ બને તેમ વા'ણને હળવું કરી નાખી મોજાંને માથે જાવાં દયીં. એમ છતાંયે બચાવ ન જ થઈ શકે એવું હોય, તો પછી જીવતા જણ બા'રા નીસરી જાયીં. પછી અમને વળી જ્યાં માલક કાઢે ત્યાં ખરો."

સામતભાઈ આવી વાતો કરે છે; જમણા હાથને કિનારે કિનારે, ડાચાં ફાડીને બેઠેલ ભરખજોગણી જેવી ભેખડોથી છેટે છેટે મછવો ચાલ્યો જાય છે, ત્યાં કિનારે એક મંદિર દેખાયું.

“એ વરાહરૂપનું થાનક, ભાઈ, આપણા આખા દેશમાં વરાહ-અવતારની બીજી