પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભજનિક પોતાના અંતરમાં સારી પેઠે સમજતો હતો કે એને ગમતી વાત આ પદની અંદર કોઈ પ્રભુ-નામની નહોતી પણ-

અમે હીરો ને તમે લાલ : બેઉ એકી દોરે પરોવેલાં :
અમે ચંપો ને તમે કેળ : બેઉ એકી કયારે રોપેલાં :
અમે પાણી ને તમે પાળ : બેઉ એકી આરે ઝીલતાં :

એ પ્રેમી યુગલની ત્રણ ઉપમાઓ હતી, અને ઊંડામાં ઊંડી ઝંખના વ્યકત કરનારો ભજનનો ઢાળ હતો. જેસલ-તોળલનો દેશ કચ્છ ઘણા કાળથી બોલાવી રહેલ છે. એ બે પ્રેમભક્તોની નિગૂઢ કથાએ કયારનું જાદુ પાથર્યું છે. સંસતિયા કાઠીએ સગી સ્ત્રીને રાજીખુશીથી લૂંટારા સમાજને ગભરાવી નાખનારો સમર્પણનો પ્રસંગ અનેક વાર અંતરમાં ઘોળાતો જ રહ્યો છે.

હું તો જેસલ-તોળલની વાર્તાને તેમજ વાણીને પોતાના પ્રાણ સાથે ઘોળનાર સોરઠી લોકસમૂહની ભાવના વિચારી રહ્યો છું. એની આંખોમાં રૂઢિનું ઝેર-ખુન્નસ આવવાને બદલે, આ કથા પ્રત્યે શાંતિનું, સમાધાનવૃત્તિનું અમૃતાંજન કેવું અંજાયું છે! અંજારમાં જેસલ-તોળલ રહેતાં, તેમાં એક દિવસ છેક મારવાડના રણુજા ગામેથી ભકત રામદે પીરનાં સમૈયામાં પધારવાનાં તેડાં આવે છે. પણ એ 'વાયક' એ નોતરાં આવ્યાં તે ફકત એકલાં તોળલદેને સારુ. વગર તેડ્યે બીજાથી જવાય નહિં. જેસલ-તોળલને જુદા પડવાનું આવે છે : જેસલ, જંગલના મગલા-મોરલા હણનારો, કુંવારી જાનો લૂંટનારો, સાત વીસું (એટલે ૧૪૦) મોડબંધા વરરાજાની હત્યા કરનારો - અરે, જેટલા માથાના વાળ એટલા ગુના કરી ચૂકેલો જેસલ એ તોળલની થોડા મહિનાની જુદાઈને ટાણે શી આર્ત્તવાણી ઉચ્ચારી રહ્યો હતો : "સાંભળો સામતભાઈ, ઘૂઘા પગી, બીજું ભજન સંભળાવું જેસલ-તોળલનું : જેસલજી કહે છે :

રોઈ રોઈ કેને સંભળાવું રે જાડેજો કહે છે,
ઊંડાં દુઃખ કેને સંભળાવું રે, જેસલજી કહે છે,
રૂદિયો રૂવે રે મારો ભીતર જલે.
અમે હતાં તોળલ રાણી, ઊંડે જળ બેડલાં રે;
તમે રે તારીને લાવ્યાં તીરે રે, જાડેજો કહે છે,
રૂદિયો રૂવે રે મારો ભીતર જલે! - રોઈ ૦
અમે હતાં તોળી રાણી, ખારી વેલ્યે તૂંબડાં;
તમે આવ્યે મીઠડાં હોય રે, જાડેજો કહે છે. - રોઈ૦
કાપડ લાવો તોળી રાણી, ધોઈ કરી લાવું;
ધોઈ લાવું જમનાને તીર રે, જાડેજો કહે છે. -રોઈ૦
મેલાં કાપડ તોળી રાણી, સાબુએ સુધારું;
નિંદા થકી ઊજળાં હોય રે, જાડેજો કહે છે. -રોઈ૦