પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમે ચાલ્યાં તોળી રાણી, વડે સંઘે વાયકે;
તમે વિના દનડા ન જાય રે, જાડેજો કહે છે. -રોઈ૦
દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો :
સંભળાવ્યે મુગતિ હોય રે, જાડેજો કહે છે. -રોઈ૦

એમ એ આખું- ભાંગ્યું બીજું પદ મેં ગાયું. દસ વર્ષ પૂર્વેની એક ભાંગતી રાતે સાંભળેલું તેની ખંડિત કડીઓ જ સાંભરી શકી.

“સામતભાઈ" મેં કહ્યું : "તોળલ તો જેસલને દિલાસો દઈને જાય છે.પણ રામદેવ પીરને સામૈય એને વધુ દિવસો ભાંગે છે. આંહીં અંજારમાં જેસલ જીવતી સમાધ લ્યે છે, દટાય છે. પછી તોળલ પાછાં આવીએ, હાથમાં તંબૂરો ને કરતાલ ધરી, પગે ઘૂઘરા બાંધી જેસલને સમાધમાંથી જગાડવાનું કેવું ભેદક પદ એ સમાધની સન્મુખ નાચતાં નાચતાં ગાય છે!”

જાડેજા હો વચન સંભારી વેલા જાગજો!
જાડેજા હો તાલ-તંબૂરો સતીના હાથમાં રે જી!

આમ વેણ યાદ કરું છું, આખો પ્રસંગ મારી કલ્પનાભોમમાં સર્જાઈ રહ્યો છે, ત્યાં તો જાફરાબાદની ખાડીને મુખદ્વારે, ખડકવાળી કિનારી ઉપરથી ઊતરતાં જુવાળનાં જળ એક ઊંડા ભમ્મરમાં પછડાતાં હતાં, ઉપરવાડે બગલાની તપસ્વી જમાત એક પંક્તિએ ધ્યાન ધરીને બેઠી હતી, દરિયાનું 'વીળિયું' પંખી એ ચડતી ને ઊતરતી વીળ્યની ઉપર ને ઉપર જ અધ્ધર ઊડતું હતું, અને જેસલ-તોળલની શેષ સમાધ-ભોમની જાત્રાએ જવા સારુ સાગર જાણે કે એનો એકતારો ઝંકારી બોલાવતો હતો કે-

હૈડા! હાલો અંજાર, મુંજા બેલીડા!
એ હૈડા હા...લો અંજાર, મુંજા બેલીડા!
જાત્રા કરીએં જેસલ પીરની હો જી!

-અને વિરાટના મૄદંગ ઉપર મોજાંની થાપી પડી રહી હતી.