પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાળે : ક્યાં કાદો છે, ક્યાં ડાંડો છે, એ સંધું અમે અમારી આંખ્યુંને મહાવરેથી પાણીની હેઠ્યે માપી શકીએ. ને મોટા દરિયામાં દૃશ્ય [૧] સૂઝે અમને આભનાં 'લાખતર' ઉપરથી.” લાખતર એટલે નક્ષત્ર.

ડોલતા નાવડામાંથી નોખનોખી દિશામાં આંગળી ચીંધતો ખલાસી એનાં રોજ રાત્રિનાં આકાશી સાથીઓની ઓળખાણ આપવા લાગ્યો :

“જુવો ભાઈ, ધરૂ (ધ્રુવ) : એની સામે આ ચોકી : આ ઉગમણ્ય ને આ આથમણ્ય ; આ ધરૂ અને ઉગમણ્યની વચ્ચે કળાય એ સુરતી લાલ : ધરૂ ને આથમણ્યની વચ્ચે ચળકે એ મકરાણી લાલ : આ મકરાણી લાલની સામો રિયો એ બખાઈ લાલ : આ ડુંગરને પડખે ટમકે હિંદવાણી લાલ. હવે આમાં બખાઈ લાલની દૃશ્યે આવ્યો અપાર મોટો દરિયો. એ દૃશ્યે ન હંકારીએ.”

મને લાગ્યું કે બખાઈ લાલ એટલે આફ્રિકા અને હિંદ બન્ને વચ્ચેની સીધી દક્ષિણ દિશા હશે. નર્યું નકશાનું જ્ઞાન!

“હવે ભાઈ,” સામતે સમજાવ્યું ; “ગમે તેવી મેઘલી રાત હોય, મે હોય, પણ ચાર દશ્યમાંથી એક જ દશ્ય ઉઘાડી હોય ને એક જ લાખતર દેખાતું હોય, તો અમે તમામ કેડા નક્કી કરી શકીએ.”

“દિશા બિલકુલ ન કળાય તો?”

“તો વાણ હોદારીને બેઠા રહીએ જ્યાં હોઈએ ત્યાં. સવાઈ પીર! સવાઈ પીર! પીર કનારે પોગાડે તયેં ખરું. નીકર અમારાં મોત તો રતનાગરને ખોળે જ લખ્યાં છે ને?”

આ 'લાલ' પ્રત્યયવાળાં નામોથી શોભતાં નક્ષત્રોની પિછાન તો મને નહોતી, પણ ખલાસીઓએ પોતાના તારલ દોસ્તોને 'લાલ' જેવું લાડલડાવણ વિશેષણ આપવામાં તો પોતાની રસિકતા જ બતાવી છે. અથવા પછી સન્મુખલાલ, મોહનલાલ વગેરેની માફક વહાણવટીઓએ તારાઓને પણ વાણિયા-બ્રાહ્મણ જેવા ઊંચા વર્ણોમાં મૂક્યા હશે! ખેર.

“હેં સામતભાઈ,” 'હડકી વારી આઈ'ની વાત મારા મનમાં તાજી હોવાથી મારો પ્રશ્ન ઊઠ્યો : “દરિયો ખેડો છો તો કદી ચળીતર-બળીતર દીઠામાં આવ્યું છે ખરું?”

“તયેં નહિ, ભાઈ?” સામત શૂન્યમાં કશુંક ભાળતો હોય તેમ શરીર સંકોડી ગયો. એની પીળી આંખો પાધરા દરિયામાં તાકી રહી; એનો અવાજ ઊંડો ઊતર્યો. કોઈનો ઓછાયો પડી રહ્યો હોય તેવે ધાસ્તીને સ્વરે એણે સુકાન સાથે લપાતે લપાતે વાત કહી :

“તેં દી હું મારા મામાના વા'ણમાં ચડતો. મારી જુવાની હતી. એક વાર કાલકોટની ખેપેથી અમે ચાલ્યા આવીએ. જાફરાબાદની ઓલીકોરનો દરિયો હતો. અધરાત પછીની વેળા હશે, અંધારું હતું. મામો કહે કે, 'છોકરાઓ, તમારા ચારમાંથી બે જાગો ને બે થોડાં ઝોલાં લઈ લિયો. વારફરતી જાગો.' એ રીતે હું પે'લા વારામાં ઊંઘી ગયો. ઘસઘસાટ

  1. દૃશ્ય=દિશા