પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊંઘું છું ત્યાં સોખવાણે બેઠેલ મારા મામાએ બૂમ પાડી : 'એલા છોકરાવ, જાગો, ઝટ જાગો, ને કાકડી કરો : વાંસે આગબુટ વઈ આવે છે. હમણાં આપણી ઉપર આવી પડશે; ઝટ કાકડી કરો!'

“સાંભળીને હું તો આંખો ચોળતો દોડ્યો. અંધારે અંધારે લૂગડાની કાકડી પડેલી તે ઘાસલેટના ડબામાં બોળીને મેં તો દીવાસળી કરીને કાકડી ચેતાવી. હજી ચેતાવું ન ચેતાવું ત્યાં તો બા...પા! એક જબરી આગબુટ અમારા વાણને પડખે થઈને નીકળી. માલીપા ઝડ ઝડ દીવા બળે છે, અને માણસ, માણસ, ઓહો કાંઈ માણસ હુકળે! માણસોની વાતુંચીતું સંભળાય. ધમધમાટ કરતી આગબુટ વાણની પડખે થઈને ચાલી ગઈ; અમે જોઈ રિયા. પણ ત્યાં તો કેવી આગબુટ ને શી વાત! કશુંય મળે નહિ. કાંઈ દીઠામાં ન આવ્યું. એવી મોટી આગબુટ એક ઘડીમાં ક્યાંઇક ગેબ થઈ ગઈ.

“અમે પાંચેય જણ તો વા'ણમાં સૂનમૂન થઈ રિયા. હેબતાઈ ગયા. કોઈ બોલે કે ચાલે! પાંચેનાં કલેજાં ઉપર કાંઈક ધરબાઈ ગયું જાણે.

“પછી મારા હૈયામાં શ્વાસ આવ્યો. મેં ઊઠીને સહુને કહ્યું કે ભાઈ, આ બીજું કશું નો'તું; કોઈ આગબુટ નો'તી. નક્કી આ 'વીજળી'નું ચળીતર હતું. આંઈં જ 'વીજળી' બૂડી'તી. હમણાં આપણને ભરખી જાત. પણ સવાઈ પીરે આપણને ઉગાર્યા! આવું ચળીતર અમે તે દી રાતે દેખેલું, ભાઈ! 'વીજળી'નું જ ઈ ચળીતર. પછી અમે વા'ણની મોરીને માથે તે વેળાએ લોબાનનો ધૂપ કર્યો, ને રતનાગર સાગર પાસે પાઘડી ઉતારીને સલામું કરી.”

*

ખાડીમાં કંઈક વહાણો લોથારી (લંગર) નાખી પડ્યાં હતાં. ચંદ્રમાનાં અંઘોળ ઝીલતું આકાશ શાંતિમય હતું. ઓટનાં પાણીને લઈને પાછો ચાલ્યો જતો દરિયો, અનેક ધોળાં ગાડરનું ટોળું હાંકીને વગડે જતા ગોવાલ જેવો, પોતાની નિગૂઢ સરજૂ લલકારતો હતો. તે વખતે વહાણ ઉપર કશીક તકરારના બોલ સાંભળીને સામતના કાન ચમક્યા. એણે લોથારી ઉપાડી લઈને પોતાના દસેક માણસે ભર્યો મછવો એ વહાણની નજીક લીધો. વહાણમાંથી અવાજ આવ્યો : "કાં સામત?"

"કોણ? રૂખડમામો કે?"

"હા ભાઈ! હાલ્ય રોટલો ખાવા."

"મીંએ ખાધું, તમે ખાવ. પણ રીડ્યું શીની પડતી'તી, મામા?"

"સાચું કે'જે, સામત!" રૂખડમામાએ ભોળી વાણી કાઢી : "મારી વઉ બેટમાંથી આંહીં કામકાજે આવી હોય, ને પાછી જાવા સારુ તારે મછવે ચડે, ને તું ઇની પાસે ગેરવાજબી માગણી કર, તો કીમ?"

"અરે રામ રામ! મારો પીરનો મછવો : ઇમાં એવી નાલાયકી હોય? કુણ ઇમ બોલનારો હતો?"