પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્ષેત્રો ખૂબ વધ્યાં છે. એકલો સોરઠ જોયેથી જ કંઈ ચાલે નહિ. જ્ઞાનની, દર્શનની, વિવિધતાની ભૂખ આજ ઉઘડી છે.

આ કારણે, જે માણસો અમુક ચોક્કસ ક્ષેત્ર લઈને તેની પાછળ બેસી ગયા હોય છે તેમનું જ એ કર્તવ્ય છે કે પોતાના ક્ષેત્રનું દર્શન પોતે કરી, લખી એનો માનસિક સમાગમ સહુ લોકોને કરાવવો. એ કર્તવ્ય સમજીને હું પણ સોરઠના મારા નાનકડા પ્રવાસોનાં ચિત્રો દોરું છું.

માત્ર કુદરતના પ્રેમીજનો જે હશે તેને તો સોરઠની બહાર સ્થળે સ્થળે પ્રકૃતિ-સૌંદર્ય મળી રહેશે.

માત્ર લજ્જતથી ભટકવાને જ નીકળનારાઓ સારુ પણ આંહી કશી અધિકતા નથી.

શિલ્પસ્થાપત્યકલાના પણ કોઈ અદ્ભુત અવશેષો આંહીં નથી પડ્યા.

માત્ર પુરાતનતાના આશકો-શોધકોને પણ બીજાં અનેક વધુ રસદાયક ખંડેરો જડી રહેશે.

સૌરાષ્ટ્રના સ્થાનોમાં જે રસ વહે છે તે તેની સાથે અંકિત થયેલા ઇતિહાસનો, લોકકથાનો, જાતિઓની જૂની તવારીખોનો અને ગીતકવિતાના સાહિત્યનો મિશ્ર રસ છે, એટલે કે દરેક સ્થળે બાઝેલા સોરઠી લોકસમૂહના સંસ્કાર-પોપડા આપણને ઉત્કંઠિત બનાવી શકે તો જ એનો રસ છે.

અમુક પહાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી : એને દીઠેય મારા જેવાને પ્રણ થનગની ઊઠે, કેમ કે મારી સ્મૃતિમાં સંઘરાયેલાં એનાં પુરાતન ઈતિહાસ-સ્મરણો તતખણ સળગવા લાગે છે. બીજાને એ જ સ્થળોનો કે માનવીઓને કશોય મહિમા ન લાગે.

એટલા સારુ જ મારા પ્રવાસનો વૃત્તાંત મારી અમુક ઊર્મિઓ થકી રંગાયેલો છે. આ ભૂમિને હું અમુક વિશિષ્ટ પ્રકારનાં સાહિત્ય, કુલાચાર, ખાસિયતો અને શરીરો નિપજાવનારી માનું છું. માટે જ નાની નાની વાતોમાંથી પણ હું એ સંસ્કારનું ઘડતર બતાવવા મથું છું.

સોરઠી ગીતકથાઓનાં જન્મસ્થાન ક્યાં છે? એ વાણીનો ગર્ભ ધરનારી ભોમ કઈ છે? એનો ઉત્તર કવિ સ્કૉટ આપી ગયો છે :

'એ કવિતાના બેસણાં તો છે કોઈ એકલ ડુંગરાના ધુમ્મસઘેરા શિખર ઉપર; ને એ સાહિત્યનો અવાજ તો ઊઠે છે પહાડી ઝરણાંના કલકલ ધ્વનિમાંથી. એનો સાચો આશક જે હોય તેણે કુંજનિકુંજોથી ભરપૂર રસાળ ખીણના કરતાં ઉજ્જડ ખડકને અધિક ચાહવો પડશે, અને રાજદરબારી રંગરાગનાં ભવનો કરતાં વિશેષ તો નિર્જન રણપ્રદેશની મોહબ્બત કેળવવી પડશે.'

[૧]


  1. 'The seat of the Celtic muse is in the mist of the secret and solitary hill, and her voice in the murmur of the mountain-stream. He who wooes her, must love the barren rock more than the fertile valley, and solitude of the desert better than the festivity of the hall'