પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"આપણા બેટવાળો કરણો. મારી બાયડીને ઇણે આવું વેણ કહ્યું. ઇ બાપડી આંઈ આવેલી તયેં પૈસા આપીને ઇને મછવે ચડવા ગઈ'તી."

"હશે ભાઈ, નાલાયકને શું કે'વું! વાત પડી મેલ્ય; ને હાલ્ય મામા, આવવું છે બેટ?"

"હા, માલ હજી ભરાણો નથી એટલે આજની રાત છોકરાંને મળી જાવા આવવું છે."

મછવો રૂખડ મામાને લઈને ઊપડ્યો. "હાલ્યો આવજે ઘેરે!" રૂખડમામાએ ખાડીમાં ચીસ નાખી : "કરણા, હાલજે ઘેરે; જો બીજે કીંયે જાતો નહિ. હું ઘેરે જ જાઉં છું. ત્યાં મળશું આપણે."

મે કહ્યું : "રૂખડભાઈ, એ ખારવાએ તમારી વહુને આમ કહ્યું એ તો બહુ ગેરવાજબી! તમે હવે એને શું કરશો?"

"શું કરીએં ભાઈ?" રૂખડે ખામોશભર્યો સ્વભાવ પ્રગટ કર્યો : "અમારે રોજ દરિયા ખેડવા : બાયડિયું ઘેરે એકલી : એને પાશેર મરચું જોતું હોય તોય આંઈ લેવા આવે : એમાં કોઈક નાલાયક આવું બોલે તો એને ઠપકો દઈએ, બીજું શું કરીએ, ભાઈ? કજિયા માંડવા ક્યાં બેસીએ?"

કોઠો ટાઢો કરીને રૂખડ ઘસઘસાટ સૂઈ ગયો. બીજાં દસ જણાંએ પણ નીંદર ખેંચી. હું અર્ધનિદ્રિત હતો. એકલો સામત સુકાન સાચવતો, શઢને વાવડાની દિશા પ્રમાણે વારે વારે ફેરવી ફેરવી બાંધતો, સીધી તીર સરીખી નજરે સન્મુખ કેડો માપતો જાગે છે. એણે ગાંજાની સટ બે-ત્રણ વાર ચડાવી છે. ત્રણ વાર તો સહુ મુસાફરોને ચા કરીને પાઈ છે, સહુને ઉંઘાડીને પોતે એકલો જાગે છે : तस्यां जागर्ति संयमी । પેટના રોટલા સારુ એણે ત્રણ રાતથી ઝોલું નથી ખાધું. "ભાઈ, આજે ત્રીજો ઉજાગરો છે મારે."

"આંહીંથી સીધા આપણે પીરે મછવો હંકારશું; ત્યાં આ સહુને ઉતારીને પછેં 'પોટા' માથે હાંકી મેલશું, હો ભાઈ! વીળ્ય છે તાં જ પોટે પોગાડી દેશ તમને."

"ફિકર નહિ, સામતભાઈ!"

ચાંચ અને શિયાળબેટ વચ્ચે, જળની હેઠે છુપાઈ રહેલી દાંતી છે. વચ્ચે એક જ ઠેકાણે થઈને 'સવાઈ પીર'ની અણી ઉપર જવાય છે. જરાક ચૂક પડે તો મછવો કે વહાણ એ દાંતીનો ભક્ષ બને.

મારી કાંડાઘડિયાળના સળગતા આંકાએ અંધારામાં જ્યારે બે બજ્યાનો અમલ બતાવ્યો, ત્યારે સામત સહુને 'પીર'ને કિનારે ઉતારી નાખી, મને અને ઘૂઘાને લઈ પાછો વિક્ટરની ખાડી તરફ મછવો વાળી રહ્યો હતો. હવે તો વિક્ટર જઈને જાગવું છે, એ વિચારે હું ભરનીંદરમાં પડ્યો.