પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ચોથી વાર સામતે દાંતીમાંથી મછવાને પાર કરી દીધો.

*

"કાં સામતભાઇ!" ફરી વાર ઊંઘમાંથી બકીને મેં પડકાર્યો એને : "વળી કેમ મછવાનું તળિયું ભટકાય છે?"

"ના ભાઇ, હવે તો પાધરો હાલ્યો જાય છે." સુકાન પર ગૂંચળું વળીને બેઠેલ ખલાસીએ ઝોલાંમાંથી જવાબ વાળ્યો.

મછવો આ વેળા 'કાદા' ઉપર નહિ, એટલે કે ખડક ઉપર નહિ પણ 'ડાંડાં' ઉપર (રેતાળ જમીન ઉપર) ભટકાતો હતો.

"સામત, તું થાકો છો, મુંણે સોખવાણ દે. તું સૂઇ જા." ઘૂઘા પગીએ સુકાન લીધું.

ખાડીનાં પાછાં વળતાં પાણી પ્રભાતે બડબડિયાં બોલાવીને મને પૂછતાં હતાં : "કાં મિસ્તર! બાપડા આવા ભૂખલ્યા કંઠાળ દરિયામાંય એક રાતનો અનુભવ મહાન કોઇ પરાક્રમનો પ્રસંગ લાગી ગયો? આવી કંગાલ વાત કરી કરીને ધરતીનાં લોકોની વચ્ચે વીરમાં ખપશો કે?"

માથું નમાવીને મેં ઉત્તર દીધો : 'હે સાગર! અભિમાનનો વિષય નહિ બનાવું; પણ આ એક રાત્રિના એક પ્રહર પરથી ત્રિરાશી બાંધીને નાવિકોના ધીર જીવનસંગ્રામની વેદના સમજાવીશ.'

બાદી એ લેખકનો એક મહાન ગુણ છે. અપ્ટન સિંકલેર પોતાની આત્મકથામાં લખે છે કે જ્યારે અમુક સ્ત્રીઓએ મને 'ઓહો! એ તો લેખક છે!' એ શબ્દોમાં કોઇ ભવ્ય પ્રાણી તરીકે પ્રશંસ્યો, ત્યારે તે બિચારીઓને ખબર નહોતી કે લેખક એટલે તો સદાની કબજિયાતથી પિડાતું પ્રાણી! સિંકલેર જો અત્યારે આ મછવામાં હોત તો પોતાના એ દુર્ભાગ્યને કેવું સૌભાગ્ય સમજત! એ ગુણની સાચી મહત્તા તે પ્રભાતે મપાઇ ગઇ. દસ વર્ષની લેખનસાધના પછી પણ એ પરમસિદ્ધિથી વંચિત રહી ગયેલા આ અધૂરા ગ્રંથકારે મછવાની અંદર સર્વત્ર નિરીક્ષણ કરી-કારવીને લાચાર મોંએ પૂછ્યું : "ઘૂઘાભાઇ, ઝાડે ફરવાનું શું સાધન છે આંહીં?"

ઘૂઘો પગી મૂંઝાયો; ઉભો થયો : "જુવો સા'બ!" એમ કહેતો મછવાની પછવાડે ઉતર્યો. સુકાનનો ડાંડો બે હાથે ઝાલ્યો. સુકાનનો પાણીમાં રહેતો જે પંખાનો ભાગ, તેની ઉપર વાંદરાની પેઠે પગનાં આંગળાં ભરાવીને 'દસ્ત-આસન' વાળ્યું : પછી બોલ્યો : "અમે તો, ભાઇ, આ રીતે કળશીએ બેસીએ. બીજો ઉપાય ન મળે."

ઠીક છે. વાંદરા પણ આપણા વડવા જ હતા ને! જળસમાધિ ન લેવાઇ જાય તો તો અડચણ નથી, એમ વિચારીને હું પણ મછવાની પાછળ ઊતરવા લાગ્યો.

"ભાઇ, બેસી શકશો?"

"કંઇ નહિ, તરતાં આવડે છે." કહેતે બે પગે ને બે હાથે સુકાનના ડાંડાને મર્કટ-શૈલીએ ચોંટી પડી, ચાલતે મછવે હાજત પતાવી.